શિયાળો@ગુજરાત: હાડ થીજવતી ઠંડી વચ્ચે રાહતના સમાચાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં છેલ્લા અમુક દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાયા છે. કેટલાક જિલ્લાઓમાં ઠંડીના કારણે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે ઠંડીથી પરેશાન લોકો માટે રાહતના સમાચાર છે. ઠંડીને લઇને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, આવનારા દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આવનારા દિવસોમાં વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવના છે. આથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઠંડીમાં ઘટાડો થતા લોકોને રાહત મળી શકે છે. તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજની વાત કરીએ તો ત્યાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટ 12 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરમાં 31 ડિગ્રી જ્યારે બરોડમાં તાપમાન 13 ડિગ્રી સુધી નોંધાયું છે. ઠંડીના કારણે ગાઢ ધુમ્મસ છવાતા કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોના શેડ્યૂલમાં ફેરફાર કરાયો છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા અનેક ફ્લાઈટ્સ કરાઈ રદ્દ તો અનેક ફ્લાઈટ્સને ડાયવર્ટ કરવામાં આવી છે.