હવામાન@ગુજરાત: રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના નહીં, જાણો શું છે નવી આગાહી
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની કોઈ સંભાવના ન હોવાનું જણાવ્યું છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી એક્ટિવ સિસ્ટમ ન હોવાનું જણાવ્યું છે. આ સાથે જે સિસ્ટમ બનેલી છે તેની ગુજરાત પર કોઈ અસર ન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ છે. શનિવારે કરવામાં આવેલી આગાહીમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હતી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની શક્યતાઓ શનિવારે કરેલી આગાહીમાં જણાવી હતી. જેમાં તેમણે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી. આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં માત્ર હળવા વરસાદની સંભાવનાઓ છે. શનિવારે કરાયેલા પાંચ દિવસની વરસાદની આગાહીમાં રાજ્યમાં ક્યાંય ભારે વરસાદ થવાની શક્યતાઓ નથી. આ સાથે વરસાદ અંગે કોઈ ચેતવણી ન હોવાનું પણ અભિમન્ય ચૌહાણે જણાવ્યું હતું. અમદાવાદમાં પણ હળવા વરસાદના કેટલાક સ્પેલ થવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલ ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નથી. જેના કારણે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે, ભારે વરસાદ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી. શનિવારે આપેલી માહિતી મુજબ રાજ્યમાં સામાન્ય કરતા વધુ સિઝનનો 92 ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે.
કોસ્ટ એરિયામાં આગામી પાંચ દિવસ (5-9 ઓગસ્ટ) સુધી માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. દરિયામાં ભારે પવન સાથે વરસાદની સ્થિતિ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. દરિયામાં 40-45 કિલોમીટર પ્રતિ કલાક (ગસ્ટિંગ સાથે 65kmph) પવનની ગતિ રહેવાની સંભાવનાઓ છે.