હવામાન@ગુજરાત: રાજ્યમાં હાલ વરસાદની આગાહી નહીં, ચોમાસું પાક માટે ખેડૂતોએ શું કરવું જોઈએ ?
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં આગામી અઠવાડિયા સુધી ભારે વરસાદના કોઈ એંધાણ નથી, બીજી તરફ ખેડૂતો સારા વરસાદ બાદ વાવેતર કરીને બેઠા છે તેમને પિયત અંગે શું નિર્ણય લેવો તે અંગે મુઝવણ અનુભવી રહ્યા છે, ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કે જો તેમણે પિયત ન કર્યું તો તેમનો પાક બળી જશે અને જો પિયત કરી દીધા પછી વરસાદ આવ્યો તો પણ પાકને નુકસાન થઈ શકે છે. આ મામલે હવામાન નિષ્ણાતે ચોમાસું આગામી સમયમાં કેવો વળાંક લેશે અને ખેડૂતોએ હાલ શું કરવું જોઈએ તે અંગે સલાહ આપવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ ચોમાસું રિએન્ટ્રી ક્યારે કરી શકે છે તે અંગે પણ મહત્વની વાત કહેવામાં આવી છે.
વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે પરેશ ગોસ્વામીની પિયત અંગે સલાહ આપતા જણાવે છે કે, ગુજરાતમાં હાલ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી, પવનની ગતિ હાલ 25-30 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ રહી છે. આજ પવનની ગતિ 18 ઓગસ્ટ સુધી જોવા મળશે. જે બાદ પવનની ગતિ ઘટીને 12-15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. આ પછી ચોમાસા અંગે કોઈ મોટા ફેરફાર થઈ શકે છે. પરેશ ગોસ્વામી જણાવે છે કે, પવનની ગતિ ઘટશે એટલે એ પછી અરબી સમુદ્રમાં મોટા ફેરફાર થઈ શકે છે, ઓફશોર ટ્રોફ છે તે મજબૂત બની શકે છે, આ પછી જો વરસાદની સિસ્ટમ બને તો 18 પછી વરસાદ આવે તો સારી વાત રહેશે પરંતુ તે પહેલા વરસાદની કોઈ શક્યતાઓ નથી.
હવામાન નિષ્ણાતે કહ્યું કે, અમે રાજ્યના ખેડૂતોને સલાહ આપી રહ્યા છીએ કે, જો તમારો ચોમાસું પાક છે અને તેને પાણીની જરુર હોય તો હાલ તાત્કાલિક ધોરણે પિયત કરી દેવું જોઈએ. કારણ કે 18-20 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતાઓ નથી. 18મીથી પવનની ગતિ અને દિશામાં બદલાવ આવશે તો પણ ઉત્તર ગુજરાતના, પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં થઈ શકે છે. જોકે, આ દરમિયાન પણ ભારે વરસાદની શક્યતાઓ નથી.
હાલ લાંબો વરાપનો માહોલ જોવા મળશે એટલે હમણાં મોટા વરસાદની શક્યતાઓ નથી તેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનવું છે. તેમણે કહ્યું કે આ સ્થિતિમાં જરુર જણાય તો ચોમાસું પાકને પિયત આપી દેવું જોઈએ તે જ ખેડૂતોના હિતમાં રહેશે. આ સાથે તેમણે હાલની ચોમાસાની સિસ્ટમ અંગે વાત કરીને જણાવ્યું કે, જે ચોમાસાની ધરી હોય છે તે ઉત્તર તરફ ખસેલી છે. ચોમાસાની ધરી હિમાલયની તળેટીથી લઈને બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. બંગાળની ખાડીમાં જે જુન અને જુલાઈમાં લો પ્રેશર બન્યા હતા જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહ્યો હતો. અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર નબળા પડી રહ્યા છે અને તે ઉત્તર તરફ ગતિ કરી રહ્યા છે. આ સિવાય અરબી સમુદ્રમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે હાલ વરસાદની સંભાવનાઓ નથી.