ખળભળાટ@દાહોદ: ડીએલએમ ભુરિયાએ વડી કચેરીને ગેરમાર્ગે દોરી સાથેના અનેક મુદ્દે નોટિસ, સેવા સમાપ્ત સુધીની તૈયારી
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
જીએલપીસી કચેરી દ્વારા ફરી એકવાર બેદરકારી દાખવતાં કરાર આધારિત કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જીલ્લા લાઈવલીહુડ મેનેજરની ફરજમાં અનેક મુદ્દે બેદરકારી અને નિષ્કાળજી ધ્યાને લઇ વડી કચેરીએ નોટિસ ફટકારી છે. આટલુ જ નહિ, નોકરી એટલે કે સેવા કેમ સમાપ્ત ના કરવી તે બાબતે ખુલાસો પુછવામાં આવ્યો છે. ડીએલએમ ભુરિયા સાથે અનેક કરારી કર્મચારીઓ ઉપર જીએલપીસીએ કડક વલણ અપનાવી કોઈપણ સંજોગોમાં બેદરકારી નહિ ચલાવી લેવાય તેનો પરિચય આપ્યો છે. જાણીએ સમગ્ર અહેવાલ.
ગાંધીનગર સ્થિત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીને દરેક જિલ્લામાં તેના કર્મચારીઓની ફરજો બાબતે વિગતો મેળવી તો ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. આથી તેના અભ્યાસ આધારે અને જોગવાઈ મુજબ જીએલપીસીએ 10થી વધુ કર્મચારીઓને કડક નોટિસ ફટકારી તાત્કાલિક અસરથી ખુલાસો માંગ્યો છે. જેમાં સૌથી વધુ કૌભાંડોના આક્ષેપ થાય છે તેવા દાહોદ જિલ્લાની કચેરી પણ બાકાત નથી. દાહોદ ડીએલએમ ભુરિયાની 4 મુદ્દે બેદરકારી ચકાસી જીએલપીસીએ કુદરતી ન્યાયના હિતમાં ખુલાસો પુછ્યો છે. ખાસ કરીને વાર્ષિક લક્ષ્યાંક સામે નબળી કામગીરી, વડી કચેરીને ગેરમાર્ગે દોરી, એનઆરઈટીપી યોજનામાં પણ નબળી કામગીરી તેમજ સરસ મેળામાં પણ નબળી કામગીરી જીએલપીસીએ ધ્યાને આવી ગઈ છે. આ સાથે સખી મંડળની બહેનોને સહકાર આપી માર્ગદર્શન આપવાના સમયે રજા પાડવા મામલે પણ નોંધ લીધી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત દિવસની 10થી કરારી કર્મચારી સામેની નોટિસ બાદ અનેક કર્મચારીઓ ખુલાસો કરવા તાત્કાલિક અસરથી દોડધામ કરી હતી. આ દરમ્યાન દાહોદ ડીએલએમ ભુરિયાએ પણ ખુલાસો રજૂ કર્યો હોઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે, જીએલપીસીને ખૂબ જ બેદરકારી ધ્યાને આવી અને ડીએલએમ ભુરિયાની નોકરી કેમ સમાપ્ત ના કરવી તે બાબતની નોટિસ આપ્યા બાદ હવે ખુલાસો માન્ય રહે છે કે કેમ ? આ સાથે ડીએલએમના ખુલાસા ઉપર જીએલપીસી ખરાઇ કરશે કે કેમ? તે પણ સૌથી મોટો સવાલ છે. જાણકારોના મતે દાહોદ સાથે અન્ય કેટલાક ડીએલએમ અને કેટલાક તાલુકા કક્ષાના કર્મચારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી હતી.