રિપોર્ટ@અમદાવાદ: હવે નવરાત્રીમાં પણ AMTS દ્વારા ધાર્મિક બસ સેવા, જાણો શું છે પ્લાન ?
અટલ સમાચાર, ડેસ્ક
આગામી દિવસમાં મા આદ્યશક્તિનો મહાપર્વ નવરાત્રી આવી રહી છે, ત્યારે અમદાવાદમાં નવરાત્રીમાં પણ ધાર્મિક બસ સેવા શરૂ કરવાનો નિર્ણય એએમટીએસ દ્વારા લેવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં આ સેવા ચાલતી હોય છે. પરંતુ હવેથી નવરાત્રી દરમિયાન પણ માતાની આરાધના કરવા માટે અમદાવાદ શહેરમાં આવેલા માતાજીના પ્રસિદ્ધ મંદિરમાં દર્શનાર્થે આ બસ સેવા ચાલુ કરાઇ છે. જેમાં 2400 રૂપિયા ભાડું ભરી આઠ કલાક માટે એએમટીએસ બસ સેવા આપવામાં આવશે.
એએમટીએસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મા આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રી દરમિયાન એએમટીએસ દ્વારા નવરાત્રી ધાર્મિક બસ સેવા શરૂ કરવામાં આવેલ છે. નવરાત્રી ધાર્મિક બસ સેવામાં અમદાવાદ શહેરના પ્રસિદ્ધ માતાજીના મંદિરનો સમાવેશ કરાયો છે. મંદિરોના દર્શન માટે 8 કલાક મર્યાદિત સમયમાં એક બસ રૂપિયા 2400 નક્કી કરાયા છે.
શું રહેશે આ બસ સેવાનો સમય?
કોઇ સંસ્થા કે સોસાયટી દ્વારા અથવા સમુહ દ્વારા આ બસ સેવાનો લાભ લેવો હોય તો મુખ્ય ટર્મિનશ લાલ દરવાજા, સારંગપુર, મણિનગર અને વાડજ ખાતે એડવાન્સ રકમ ભરવાની રહેશે. એક બસમાં 28 સિટીંગ, 12 સ્ટેન્ડિંગ અથવા 30 સિટીંગ અને 10 સ્ટેન્ડિંગ વધુમાં વધુ કુલ 40 પ્રવાસીની બસ અપાશે. આ નવરાત્રી ધાર્મિક બસ સેવાનો લાભ 15 ઓક્ટોબર-2023થી 24 ઓક્ટોબર-2023 સુધી મળી રહેશે. આ બસ સેવાનો સમય દરેક ટર્મિનલથી સવારના 8થી સાંજના 4-5 વાગ્યા સુધીનો રહેશે.
આ મંદિરમાં દર્શનાર્થે બસ સેવા ચાલુ કરાઇ
ભદ્ર્કાળી મંદિર - લાલદરવાજા
મહાકાળી મંદિર- દૂધેશ્વર
માત્ર ભવાની વાવ- અસારવા ચકલા
ચામુંડા મંદિર- અસારવા ચામુંડા બ્રિજ નીચે
પદમાવતી મંદિર- નરોડ ગામ
ખોડિયાર મંદિર- નિકોલ
હરસિદ્ધ માતા મંદિર - રખિયાલ
બહુચરાજી મંદિર- ભુલાભાઇ પાર્ક
મેલડીમાતા મંદિર- નવરંગપુરા
વૈષ્ણદેવી મંદિર- સરખેજ-ગાંધીનગર હાઇવે
ઉમિયા માતા મંદિર - જાસપુર રોડ
આઇ માતાનું મંદિર- સુઘડ
કૈલા દેવી માતા મંદિર - ધર્મનગર