ઘટના@સુરત: કારના શો રૂમમાં ચા પીતા હતા અને અચાનક બેભાન થઇ ગયા વૃદ્ધ, અંતે મોત

 
Ishshapor Police

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં અચાનક બેભાન થવાથી તેમજ હાર્ટ એટેકને કારણે મોત થવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.એક પછી એક આ જ રીતે યુવાનો તેમજ આધેડ અને વૃદ્ધ વયના વ્યક્તિઓના મોત થવાને પગલે ચિંતાનો વિષય બની રહ્યો છે. આ દરમિયાન વધુ એક ઘટના બની છે. ઇચ્છાપોર ખાતે કારના એક શો રૂમની અંદર ચા પીતા પીતા અચાનક બેભાન થયા બાદ વૃદ્ધ મોત નીપજ્યું હતું.

ઇચ્છાપોર પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભીમપોર ગામ ખાતે આવેલ ગણેશ સ્ટ્રીટમાં રહેતા પ્રકાશભાઈ છગનભાઇ પટેલ (ઉ.વ.61 ) નાઓ હજીરા મગદલ્લા ખાતે આવેલ એક ફોર વ્હીલ કારના શો રૂમમાં નોકરી કરતા હતા. દરમિયાન ગત રોજ તેઓ શો રૂમની અંદર આવેલ ચા-પાણીના સ્ટોલમા ચા-પાણી પીવા માટે ગયા હતા ત્યારે ચા પીતા પીતા તેઓ અચાનક નિચે પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા.

કંપનીમા સાથે કામ કરતા મિત્ર તેમને તાત્કાલિક નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત ઘોષિત કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પ્રકાશભાઈનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે કે પછી અન્ય કોઈ કારણ છે. તે જાણવા માટે તેમના મૃતદેહનું પોસ્ટ માર્ટમ કરાવવામાં આવ્યું હતું.પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.આગળની તપાસ ચાલી રહી છે.

News Hub