હવામાન@ગુજરાત: રાજ્યમાં 5 દિવસની માવઠાની આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ ?

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર હવામાન વિભાગે આગામી પાંચ દિવસની આગાહી કરી છે. આગાહી મુજબ બે દિવસ વરસાદ રહ્યા બાદ ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં અમદાવાદ સહિતના ભાગોમાં તાપમાન 40 કે 40ને પાર જઈ શકે છે. આ સિવાય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ વિશે પણ વાત કરીને ગુજરાત પર તેની શું અસર થઈ શકે તે અંગે વાત કરી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું હતું કે, બે દિવસ વરસાદની શક્યતાઓ છે. બે દિવસ સૌરાષ્ટ્ર અને ગુજરાતના બાકીના ભાગોમાં વરસાદ ઘટી ગયો છે પરંતુ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર થઈ રહેલા ફેરફારોની અસર ગુજરાત પર પડી રહી છે. આજે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહી શકે છે. બીજા દિવસ (6 મે)એ વરાસાદનું જોર ઘટી જશે, માત્ર 4-5 જિલ્લામાં જ વરસાદ થવાની શક્યતાઓ છે.

આ સાથે આજના દિવસે અમદાવાદ-ગાંધીનગરમાં હળવા વરસાદની સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની સંભાવના છે. જ્યારે તાપમાનમાં અહીં આવતીકાલથી વધારો થવાની શક્યતાઓ છે. અમદાવાદમાં પાંચમા દિવસે 41 સુધી તાપમાનનો પારો જઈ શકે છે. આ સિવાય કોઈ મહત્વની વોર્નિંગ નથી. આજે સુરેન્દ્રનગરમાં તાપમાન 40ની આસપાસ નોંધાઈ રહ્યું છે. વિજીનલાલ જણાવે છે કે, ત્રીજા દિવસ (7 મે)થી હવામાન સૂકું રહેવાની આગાહી છે, આ સાથે મહત્તમ તાપમાનમાં પણ ધીરેધીરે વધારો થવાનું શરુ થશે. આગામી ત્રણ-ચાર દિવસમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે.

ઉત્તર હવામાનની આગાહી મુજબ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 3થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ સ્થાનિક હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. જે પ્રમાણેની સંભાવના છે તેને જોતા આગામી સમયમાં રાજ્યના ઘણાં સ્ટેશનો પર તાપમાનનો પારો 40 કે તેને પાર જઈ શકે છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે અંગે વાત કરતા વિજીનલાલ જણાવે છે કે, હજુ તે સિસ્ટમ બની નથી, પરંતુ તેની સંભાવના 7-8 તારીખની આસપાસ છે. હાલ તેની ગુજરાતના હવામાન પર કોઈ અસરની સંભાવના નથી. જોકે, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી માટે આપણા ત્યાં વરસાદ પૂર્ણ થઈ રહ્યો છે.