વાતાવરણ@ગુજરાત: માવઠાને લઈ ફરી એકવાર હવામાનની મોટી આગાહી, ઠંડા પવનો ફૂંકાશે

 
Weather

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ ઠંડી અને માવઠુંનું જોર વધી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સુકૂં રહેશે. નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટાના કારણે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતો ઉભા પાકને કારણે ચિંતામાં મુકાયા છે.

રાજ્યમાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂતો ઉભા પાકને લઇને ચિંતામાં મૂકાઇ ગયા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, છોટા ઉદેપુરના નસવાડી ચરોતરમાં મહેમદાવાદ, પાવી જેતપુર, દાહોદ, ધાનપુર, લીમખેડામાંથી વરસાદ અને કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને ભારે નુકસાની આવી છે. ઘંઉ, જીરૂ જેવા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીનાં જણાવ્યા પ્રમાણે, હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોને માવઠાનો માર સહન નહીં કરવો પડે. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. પાંચ દિવસ સુધી વાતાવરણ સુકૂં રહેશે. આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી બે દિવસ એટલે 31 અને પહેલી તારીખે ઠંડા પવનો ફૂંકાવવાને કારણે ઠંડીમાં પણ વધારો થશે. આ બે દિવસ 15થી 20 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા છે.

મનોરમા મોહન્તીએ વધુમાં જણાવ્યુ કે, આગામી બે દિવસ ઠંડીનું જોર વધી શકે છે. ઠંડા પવનોને કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી બે દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.