હવામાન@ગુજરાત: આ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતા વધી

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

દેશના ઘણા રાજ્યોમાં વધતા તાપમાન અને વાતાવરણમાં પ્લાટા વચ્ચે હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD)એ ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા વ્યક્ત કરી છે. IMDની આગાહી અનુસાર ગુજરાત ઉપરાંત દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને ગરમીમાંથી રાહત મળવાની આશા છે. 

દેશભરમાં હવામાનની સ્થિતિ મુજબ હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટ અનુસાર ઓછામાં ઓછા આગામી 4 થી 5 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ પડશે. જો કે આ પછી હવામાન શુષ્ક રહેશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર દેશમાં પશ્ચિમ અને દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રના ભાગો, પશ્ચિમ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં એક અથવા બે દિવસ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ સપ્તાહમાં બીજી વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ ઉપરાંત નવસારી, તાપી, ભાવનગર અને આસપાસના વિસ્તારમાં મેઘરાજા હાજરી પુરાવી શકે છે. કેરીના પાક માટે આ વરસાદ ચિંતાનો વિષય બની શકે છે. કેરીના મોર ઉપર બીમારી લાગવાની અને મોર ખરી જવાની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. બીજી તરફ માર્ચ મહિનાની શરૂઆતથી ગરમી શરૂ થઇ છે ત્યારે ઠંડક પણ જોવા મળશે.