કાર્યવાહી@મહેસાણા: ટ્રેકટર માટે લીધેલી લોન ભરપાઈ ન કરનાર મહિલાને દોઢ વર્ષની સજા
અટલ સમાચાર, ડેસ્ક
ખેડબ્રહ્મામાં રહેતા સુમિત્રાબેન રાવજીભાઈ કાતેરીયાએ વર્ષ 2020 માં મહેસાણાની HDFC Bankમાંથી ટ્રેકટર ખરીદવાના માટે અંદાજે રૂ. 1.51 લાખની લોન લીધી હતી. જોકે લોન લેનાર સુમિત્રાબેને બેંકીંગના નિયમ મુજબ કેટલાક જરૂરી દસ્તાવેજો અને તેમના ખાતાના ચેક બેંકમાં આપ્યા હતા. ત્યારબાદ સમયમર્યાદામાં સુમિત્રાબેન દ્વારા લોનની રકમ ભરપાઈ કરવા માટે આપેલા ચેક HDFC Bank ના મેનેજરે બેંકના ખાતમાં ભર્યા હતા. પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રિટર્ન થયા હતા.
આ તરફ તત્કાલિન બેંક મેનેજર કિરણભાઈ સુખડીયાએ એડવોકેટ જે.પી.ત્રિવેદી મારફતે વર્ષ 2021 માં મહેસાણાની કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી. ત્યારબાદ તા. 21 ફેબ્રુઆરી 2024 ના રોજ થયેલી આખરી સુનાવણી થઈ હતી. તે દરમિયાન બેંકના વકીલે રજુ કરેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા કોર્ટના ન્યાયાધિશ પ્રેમ હંસરાજસિંહએ સુમિત્રાબેનને સજાને પાત્ર જાહેર કર્યા હતા. તે ઉપરાંત દોઢ વર્ષની કેદની સજા તથા વળતર પેટે આપેલ ચેકની રકમને દોઢ ગણી એટલે કે રૂ. 2,27,100 બેંકને ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.