રિપોર્ટ@સંતરામપુર: મનરેગામાં ભ્રષ્ટાચારની ચાલી રહી છે તપાસ, ગમે ત્યારે મોટી કાર્યવાહીના એંધાણ ❓

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સંતરામપુર તાલુકામાં મનરેગા યોજનાની પારદર્શકતા મુદ્દે નાગરિકો કે અરજદારો જ નહિ પરંતુ ખુદ પદાધિકારીઓને પણ આશંકા છે. આ પરિસ્થિતિ વચ્ચે મામલો ઘણો આગળ નિકળી ગયો છે અને સમાચાર એટલા સુધી આવ્યા કે, ગમે ત્યારે અસર જોવા મળી શકે છે. વાત જાણે એમ છે કે, મનરેગામાં ભ્રષ્ટાચારની તપાસ સત્તાવાર ઓથોરિટી દ્વારા થઈ રહી છે. પ્રાથમિક બાબતોની પુષ્ટિ બાદ આગળની ખરાઇ થઈ રહી છે. તમામ મુદ્દે ખરાઇ થયા બાદ તપાસ ઓથોરિટી દ્વારા ગમે ત્યારે મોટી કાર્યવાહી થવાના એંધાણ હોવાનું ખુદ રજૂઆત કર્તાએ જણાવ્યું છે. મતલબ સાફ છે કે, અગાઉ ભ્રષ્ટાચારની ફરિયાદ અનેકવાર થયેલી છે જેમાં બાહોશ એજન્સી કોઈના પણ દબાણમાં આવ્યા વગર આગળ વધી રહી છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગા હેઠળ ભ્રષ્ટાચાર થયો છે કે નહિ, તે મુદ્દે ચોંકાવનારી વિગતો મળી છે. જેના આધારે નાગરિકો, અધિકારીઓ અને પદાધિકારીઓને થોડો અંદાજ આવી શકે તેમ છે. હકીકતમાં કેટલાક વર્ષ અગાઉ પુરાવાઓ સાથે અનેક રજૂઆતો તાલુકા જિલ્લા સમક્ષ થયેલી છે, જોકે તપાસમાં કોઈ મોટી કાર્યવાહી થયેલી નથી. આ દરમ્યાન રાજ્યની એક બાહોશ એજન્સીમાં પણ મનરેગામાં ભ્રષ્ટાચારની ફરિયાદ થયેલી હોવાનું જાણવા મળ્યું છે. આ ફરિયાદમાં ભ્રષ્ટાચારીઓ કેવી રીતે મનરેગા યોજના થકી બેનામી આવક ઉભી કરી રહ્યા અને કઈ મોડસ ઓપરેન્ડી હેઠળ ભ્રષ્ટાચાર કરે છે તેનું વર્ણન કરતી વિગતો રજૂ કરાઇ છે. જેમાં પ્રથમ તબક્કે ખરાઇ થયા બાદ આગળના રેકર્ડ/રિપોર્ટની પણ ખરાઇ હાથ ધરવામાં આવેલી હોઇ મામલો મહત્વનો બની ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તપાસ ઓથોરિટીએ સંતરામપુર મનરેગા મામલે ભ્રષ્ટાચારના કથિત ઈસમોની વિગતો મેળવી ક્રોસ ચેકીંગ પણ શરૂ કરેલુ છે. જેમાં અંતિમ ખરાઇ થયા બાદ તપાસમાં જે મળી આવે તે મુજબ કથિત ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી થવાના એંધાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાત આટલી નથી, સમગ્ર મામલે કથિત ભ્રષ્ટાચારીઓને ગંધ આવી જતાં દોડધામમાં પણ લાગ્યા છે. જો ખરાઇ થઈ જાય અને ફરિયાદ મુજબ બધું બરાબર મળી આવશે તો ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ થવાની સંભાવના પણ રજૂઆત કર્તાએ જણાવી છે.