ઈમ્પેક્ટ@વડોદરા: ગ્રામ વિકાસમાં ડીડીપીસીની શંકાસ્પદ નિયુક્તિમાં તપાસનો હુકમ, તપાસવાળા જાણવા જેવા

 
Vadodara Jilla Panchayat

અટલ સમાચાર ડોટ કોમ, વડોદરા

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર (મનરેગા)ના હોદ્દા ઉપર થયેલી નિમણૂક મામલે તપાસનો ઓર્ડર થયો છે. લાયકાતમાં પુર્તતા શંકાસ્પદ બનતાં ઉભા થયેલા સવાલો અને અટલ સમાચાર ડોટ કોમના રિપોર્ટ બાદ કમિશ્નર કચેરીએથી તપાસનો હુકમ થયો છે. નિયુક્તિમાં નિયમો, જોગવાઈઓ અને સામે છૂટછાટો કે પૂર્વ મંજૂરી સહિતના મુદ્દે તપાસ થશે. જોકે હજુપણ સૌથી મોટો સવાલ છે કે, તપાસ કરનારા પૈકીએ જ અગાઉ નિયુક્તિ કમિટીના સભ્ય તરીકે ભૂમિકા આપેલી છે.

વડોદરા જિલ્લા પંચાયતની જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ડીડીપીસીની નિયુક્તિમાં હવે હકીકતલક્ષી બાબતોની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મનરેગાની ખૂબ મહત્વની યોજનામાં નાયબ જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટરના હોદ્દા ઉપર શૈક્ષણિક લાયકાત અને અનુભવની જોગવાઈ છે ત્યારે વડોદરાના હાલના ડીડીપીસી અનુભવની પૂર્તતા જાળવતાં નહિ હોવાનો સવાલ છે. કુલ 4 વર્ષના અનુભવ સામે હાલના ડીડીપીસી સાડા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતાં હોવાનો મામલો ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં જતાં તપાસ શરૂ થઈ છે. સમગ્ર મામલે ગ્રામ વિકાસ કમિશ્નર કચેરીમાં મનરેગાનો હવાલો સંભાળતાં કમિશ્નર ગુપ્તાજીએ જણાવ્યું હતું કે, તપાસનો ઓર્ડર કર્યો છે એટલે જે મળી આવશે તે મુજબ ધોરણસરની કાર્યવાહી થશે.  

વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ડીડીપીસીની નિયુક્તિ એક કમિટી કરે છે તો કમિટીની ભૂલ/બેદરકારી કે ઈરાદાપૂર્વકની કામગીરી બાબતે પૂછતાં કમિશ્નર ગુપ્તાજીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ હકીકતલક્ષી તપાસ થશે અને જો ગેરરીતિ મળી આવે ત્યારબાદ જવાબદારી નક્કી થશે. જોકે સૌથી મોટી આંચકાજનક વાત એ પણ છે કે, જે તપાસ કરી રહ્યા કે કરશે તે પૈકીનાએ અગાઉ નિયુક્તિ કરવામાં પણ ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં નિયુક્તિ કરનારા જ તપાસ કરશે ત્યારે ન્યાયના હિતમાં તપાસ થશે ? તપાસ કરનારા પોતાની ભૂલ નહિ આવે તેની સૌથી પહેલાં કાળજી લેશે તે સ્વાભાવિક હોઈ સમગ્ર વિષય અનેક સવાલો વચ્ચે આવી ગયો છે.