સામાજિક@પાલનપુર: ગુરુબ્રાહ્મણ સમાજના 13માં સમૂહલગ્નોત્સવનું આયોજન, 27 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરના આંગણે ફરી એક વાર ગુરુબ્રાહ્મણ સમાજના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ બનાસકાંઠા જિલ્લાના બેનર તળે આ સમૂહલગ્ન આગામી 24-02-2024ના દિવસે પાલનપુરના પારપડા ખાતે માવતર વાડીમાં યોજાશે. ગુરુબ્રાહ્મણ સમાજના આ 13માં સમૂહલગ્નોત્સવમાં 27 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે.
ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ બનાસકાંઠા દ્વારા અવાર-નવાર અનેક સામાજિક કાર્યક્રમ કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આ 13માં સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ બનાસકાંઠાના પ્રમુખ અરવિંદકુમાર એમ.ચોરાસિયા, ખજાનચી મફતલાલ એમ.શ્રીમાળી,મહામંત્રી હરિભાઇ ડી.શ્રીમાળી, ઉપપ્રમુખ મોહનલાલ એમ.જોષી અને જીવણલાલ ડી.શ્રીમાળી દ્વારા સર્વે સમાજબંધુઓને આ 27 નવયુગલોને આશીર્વાદ આપવા નિમંત્રણ પાઠવવામા આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ બનાસકાંઠાના આ 13 માં સમુહલગ્નોત્સવમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપુત, ઋષિકેશભાઈ પટેલ, રાઘવજી પટેલ, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપશે. આ સાથ ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજ પ્રદેશ પ્રમુખ જયંતિભાઈ વી શ્રીમાળી અને ગુજરાત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગૌતમભાઈ ગેડીયા પણ હાજર રહેશે. આ સાથે શુક્લગુરુ વચનદાસ ધૂળદાસ (શંખેશ્વર ગાદી) અને સુખાનંદગિરિ બાપુ (બજરંગ આશ્રમ-ચાંદખેડા) આશીર્વચન આપશે. આ સાથે 13માં સમૂહલગ્નોત્સવના અન્નપૂર્ણાના દાતા સ્વ.નટવરભાઈ ધનજીભાઇ તથા સ્વ.પ્રતાપભાઈ ધનજીભાઈ ખાંડેરા પરિવાર બન્યો છે.