રેકોર્ડ@ગુજરાત: વાઈબ્રન્ટ સમિટ 2024માં 94,540 પ્રોજેક્ટમાં 45 લાખ કરોડથી વધુના MOU થયા
અટલ સમાચાર, ડેસ્ક
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં તમામ આંકડાઓનો વિક્રમ તૂટ્યો છે. આજે બે દિવસીય વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટીનું ભવ્યાતિભવ્ય સમાપન થવાની સાથે રેકોર્ડ 45 લાખ કરોડના એમઓયુ થયા છે, જેમાં કુલ 94,540 પ્રોજેક્ટની ઐતિહાસિક સિદ્ધી નોંધાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સમિટના સમાપન પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત કેન્દ્રીય મંત્રીઓને, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત રાજયના મંત્રીમંડળના મંત્રીઓ ઉપરાંત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસીય સમિટમાં કુલ 35 દેશોના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા. સમિટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે UAEના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મહંમદ બિન ઝાયેદ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રથમવાર જાહેર મંચ પરથી સંબોધન કર્યું હતું. ઉપરાંત માંઝાબિક અને તિમોર લિસ્ટેના રાષ્ટ્રવડાઓ અનેક દેશોના રાજદ્વારીઓ પણ સમારોહમાં જોવા મળ્યા હતા.
ત્રિદિવસીય સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (રિલાયન્સ ઇન્ડ.), એન. ચંદ્રશેખરન (ટાટા સન્સ), બાબા કલ્યાણી (ભારત ફોર્જ), સંજીવ પુરી (આઇટીસી) ઉદય કોટક (કોટક મહિન્દ્રા બેન્ક), કુમાર મંગલમ બિરલા (આદિત્ય બિરલા ગ્રૂપ), દિલીપ સંઘવી (સન ફાર્મા), હર્ષપતિ સિંઘાનિયા (જે કે પેપર), ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ), લક્ષ્મી મિત્તલ (આર્સેલર મિત્તલ), વિજય શેખર શર્મા (પેટીએમ), સમીર નિગમ (ફોનપે), પંકજ પટેલ (ઝાયડસ), અમિત સિંગલે (એશિયન પેઇન્ટ્સ), દિનેશકુમાર ખારા (એસબીઆઇ), અનિલ અગ્રવાલ (વેદાંતા ગ્રૂપ), વેંકટ એન. (કેપજેમિની), સંજય ગુપ્તા (ગૂગલ), મહેન્દ્ર નેરુકર (એમેઝોન), સ્વરૂપ આનંદ મોહંતી (મીરાઇ), હિરોશી ઇબિના (નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા), યોજી તાગુચી (મિત્શુબીશી કોર્પો. ઇન્ડિયા), વિક્રમ કસ્બેકર (હીરો મોટો કોર્પ), હર્ષા અગ્રવાલ (ઇમામી ગ્રૂપ), તરૂણ મહેતા (એથર એનર્જી) ઉપસ્થિત રહ્યા હતા.
આ વખતના વાઈબ્રન્ટ સમિટમાં વિદેશના મહનુભાવોમાં સુલતાન અહેમદ બીન સુલેમાન (યુએઇ), સંજય મેહરોત્રા (યુએસએ), જહોન ટટલ (યુએસએ), ટોશીહીરો સુઝુકી (જાપાન), માઇકલ સીન (સિંગાપોર), કીથ સ્વેન્ડર્સન (ડેનમાર્ક), યુસુફ અલી એમ.એ. (યુએઇ), ટાકિયો કોનીશી (ફિલિપાઇન્સ), ઓગસ્ટે ટાનો (યુએસએ), કરસનભાઇ લાલ (યુએસએ), વિવેક લાલ (યુએસએ), બર્ટ ડેન ઓડેન (નેધરલેન્ડ), વ્લાદીમીર કાઝબેકોવ (શાંઘહાઇ), ઓમર અલ મહરીઝી (ઓમાન), એરીક સોલ્હેમ (સ્વીત્ઝર્લેન્ડ), નગુયેન સાન ચાઉ (વિયેટનામ), મોહમ્મદ ઇ. અલમહેંદી (યુએઇ), માસાહીરો ક્વાઇ (સીઇઓ, એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઇન્સ્ટી.), મોહ ઇદ (ઇટાલી), પિયુષ ગુપ્તા (સિંગાપોર), ફિલિપ સ્મીથ (યુકે), પ્રો. ઇયાન માર્ટીન (ઓસ્ટ્રેલિયા), રીતુ અરોરા (સિંગાપોર), એડવર્ડ નાઇટ (યુએસએ), ક્રિસ્ટોફર હેસલર (યુએસએ) ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગુજરાતમાં દર બે વર્ષે યોજાય છે. તેની શરૂઆત 2003માં ભારતના વડાપ્રધાન (તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી) નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ હતી. રાજ્યમાં સમિટની દરેક આવૃત્તિએ નવા પરિણામો અને નવીન તકો રજૂ કરી છે.