ખળભળાટ@પંચમહાલ: ગરીબ બહેનોના વિકાસના નામે કરોડોનું કૌભાંડ, ફરિયાદની વારંવારની સુચના છતાં લોલમલોલ

આ પછી એક વર્ષથી ફરિયાદ દાખલ કરવાના પત્રો ગાંધીનગર વાળાએ લખ્યાં છતાં અમલ થતો નથી, જેનાથી પરિસ્થિતિ અતિગંભીર બનતી હોવાનું ચિત્ર ઉભરી આવ્યું છે.
 
પંચમહાલ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


પંચમહાલ જિલ્લામાં જાણે કૌભાંડમાં પણ કૌભાંડ થઈ રહ્યું હોવાના ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગરીબ બહેનોના વિકાસના નામે કરોડોની રકમ ગાંધીનગરથી નિકળીને ગોધરા પહોંચી પરંતુ જવાબદાર કર્મચારીઓની મેલી મુરાદમાં આવી ગઈ હતી. વિશેષ ઓડિટ કરાવતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છતાં આજદિન સુધી કાર્યવાહીને નામે મીંડું રહ્યું છે. આટલું જ નહિ ગાંધીનગર સ્થિત હેડ ઓફિસ વાળા 12 મહિનાથી પત્રો લખી કૌભાંડમાં સંડોવાયેલા શોધવા અને ફરિયાદ દાખલ કરાવવા કહે છે છતાં "બિન્દાસી લોલમલોલ" થઈ રહ્યું છે. 2 કરોડથી વધુ રકમનું કૌભાંડ ખુદ તત્કાલીન ડીએલએમ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. આ પછી એક વર્ષથી ફરિયાદ દાખલ કરવાના પત્રો ગાંધીનગર વાળાએ લખ્યાં છતાં અમલ થતો નથી, જેનાથી પરિસ્થિતિ અતિગંભીર બનતી હોવાનું ચિત્ર ઉભરી આવ્યું છે.

પંચમાલ 1

પંચમહાલ જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ ચાલતી સ્વસહાય જુથની કહેવાતી ઉત્તમ કામગીરીને વર્ષ 2019-20 માં ખળભળાટ મચાવી દેતો દાગ લાગી ગયો છે. ગાંધીનગર સ્થિત સરકારની પોતાની ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ પંચમહાલ જિલ્લામાં વખતોવખત કરોડોની ગ્રાન્ટ ફાળવી હતી. આ ગ્રાન્ટ પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મિશન મંગલમ શાખાથી તાલુકામાં ફાળવવામાં આવી હતી. તાલીમ, સ્ટાર્ટ અપ ફંડ, સાધન ખરીદી, સ્વરોજગાર લક્ષી સહિતની બાબતે 2 કરોડથી વધુની ફાળવણી થઈ હતી. જેમાં મોટાપાયે કટકી અને ખાયકી થઈ હતી પરંતુ જ્યારે ખુદ તત્કાલીન ડીએલએમ દ્વારા આ સમગ્ર કૌભાંડનો અહેવાલ ગાંધીનગર રજૂ કરી દેતાં ચકચાર મચી ગઇ હતી. આથી ગાંધીનગર સ્થિત જીએલપીસી કચેરી દ્વારા ઓડિટ કરાવતાં અધિકારીઓને પગ તળેથી જમીન ખસી જાય તેવી હાલત બની હતી. 

પંચમહાલ 2

ગોધરા, જાંબુઘોડા, કાલોલ, ઘોઘંબા સહિતના તાલુકાઓમાં સખીમંડળ કે ગ્રામ સંગઠનમાં સરખે ભાગે તમામને મળતી ગ્રાન્ટ કોઈ એક જ મંડળ કે સંગઠનને આપી દેવામાં આવી હતી. તાલીમ આપ્યા વિના તાલીમના નામે બીલ કે વાઉચર વિના લાખો રૂપિયા ચાંઉ કરી લેવામાં આવ્યા હતા. આટલું જ નહિ મિશન મંગલમ ગ્રાન્ટ જાણે પોતાની પેઢીની હોય તેમ પૂછ્યાં વગર બીજી શાખાને આપી દેવામાં આવી હતી. આ તમામનો રિપોર્ટ જોઈ જીએલપીસી કચેરીએ જે ઓડિટ કરાવ્યું તેમાં સનસનીખેજ ખુલાસો થયો હતો. 

પંચમહાલ 3


ઓડિટ રિપોર્ટમાં મહાકૌભાંડ જોઈ જીએલપીસી કચેરીએ ગત માર્ચ 2021થી તાત્કાલિક અસરથી કાર્યવાહીના આદેશ કર્યા હતા. આ પછીના પત્રમાં તો જીએલપીસી એ સીધી ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. સરેરાશ 2.29 કરોડના કૌભાંડમાં સંડોવાયેલ જવાબદારો શોધી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ છેલ્લા 15 મહિનાથી એક આઇએએસ બીજા આઇએએસને વિનંતી કરે છે પણ જાણે પથ્થર ઉપર પાણી હોય તેમ કંઈ જ થતું નથી. સરકારના પૈસા ખુદ સરકારના જ માણસો દ્વારા સગેવગે થઈ ગયા છતાં સરકારના અધિકારીઓ કંઈ કરી શકતા નથી તે અતિ ગંભીર વિષય બની ગયો છે.

પચમહાલ 4

જાંબુઘોડા તાલુકામાં માઇક્રો ક્રેડિટ પ્લાન હેઠળ તાલુકાના તમામ સખીમંડળ અને ગ્રામ સંગઠનને તાલીમ આપવા માટે તાલીમ દીઠ કુલ 4500 લેખે કુલ 4 લાખ 50 હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી પરંતુ હકીકતમાં કોઈ જ તાલીમ આપવામાં આવી નહોતી. આ ખર્ચનું કોઈ બીલ, વાઉચર કે હાજરીપત્રક પણ નથી.


આ કૌભાંડથી શોધી શકાય મુખ્ય સૂત્રધારો

જાંબુઘોડા તાલુકામાં
29 ગ્રામ સંગઠનમાં સ્ટાર્ટ અપ ફંડના 50-50 હજાર તમામને આપવાના હતા તેના બદલે જય કુબેર મહાસંઘ નામના સંગઠનને કુલ 14 લાખ 50 હજાર આપી દીધા હતા.

65 સખી મંડળના સ્ટાર્ટ અપ ફંડના કુલ 1 લાખ 65 હજાર એકમાત્ર ગિરીરાજ મહિલા મહાસંઘ નામના સખીમંડળને આપી દીધા હતા. આ સાથે 3 લાખ 20 હજાર એક સીએલએફને આપવાના હતા તે પણ આ સખીમંડળને આપી દીધા.

પંચમહાલ 5

કાલોલ તાલુકામાં 

57 સખીમંડળના 1લાખ 42 હજાર 500 રૂપિયાની સ્ટાર્ટ અપ ફંડની ગ્રાન્ટ અને 17 ગ્રામ સંગઠનના 8 લાખ 50 હજારની સ્ટાર્ટ અપ ફંડની ગ્રાન્ટ સહિત બંને રકમ જય યોગેશ્વર નામના ગ્રામ સંગઠનને આપી દીધી હતી.

સ્ટાર્ટ અપ ફંડની કુલ 50 હજારની ગ્રાન્ટમાંથી ગ્રામ સંગઠનને માટે 10 હજારની મર્યાદામાં ટેબલ ખુરશી પેટે આપવાના હતા તેના બદલે તમામ રકમ ઉપાડી માત્ર ટેબલ ખુરશી આપી બાકીની રકમ ટીએલએમ એ વાપરી નાખી અને ખાસ કરીને ટેબલ ખુરશીના બીલ પણ રજૂ કર્યા નથી.


ગોધરા તાલુકામાં 

63 સખીમંડળને 1લાખ 57 હજાર 500 રૂપિયાના સ્ટાર્ટ અપ ફંડ તેમજ 17 ગ્રામ સંગઠનના 8 લાખ 50 હજાર સહિતની બંને રકમ ઓરવાળા ગ્રામ સંગઠનને આપી દીધી. આ ગ્રામ સંગઠનના પ્રમુખ ટીએલએમ હોવાના આક્ષેપ છે.

ઘોઘંબા તાલુકામાં

આજીવિકા ગ્રામીણ એક્ષપ્રેસ યોજના અંતર્ગત 7 પૈકી 3 લાભાર્થીઓ કચેરીના કર્મચારીઓ છે. ક્લસ્ટર કો ઓર્ડીનેટર હોવા છતાં આજીવિકા ગ્રામીણ એક્ષપ્રેસ યોજના હેઠળ 2-2 લાખની વ્યાજ વગરની ગ્રાન્ટ લઈ તેની ઈકો ગાડી મેળવી લીધી અને હજુ સુધી કુલ 6 લાખ પાછાં પણ આપ્યા નથી.

ઘોઘંબા તાલુકામાં


તત્કાલીન ટીએલએમ ચિરાગ પંચાલે વર્ષ 2019માં ગ્રામ સંગઠનને મળતી ગ્રાન્ટ પૈકી 12 ગ્રામ સંગઠનમાંથી 13 લાખ મેળવી કૌભાંડ આચર્યું હતું.
જેના અનુસંધાને તેની માત્ર જિલ્લા ફેર બદલી કરી વાવ (બનાસકાંઠા) બદલી કરી દેવામાં આવી હતી.