ખળભળાટ@પંચમહાલ: ડીડીઓ વિકાસની ગ્રાન્ટમાં લૂંટ ચલાવી રહ્યાનો આક્ષેપ, ફરિયાદનો હુકમ છતાં અમલ નહિ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પંચમહાલ જિલ્લામાં બહુચર્ચિત મિશન મંગલમ યોજના કૌભાંડ મામલે રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. 2.29 કરોડની ગેરરીતિ મામલે ગાંધીનગરથી વારંવાર કાર્યવાહી બાબતે પત્ર મળ્યા છતાં ડીડીઓ અમલ કેમ નથી કરતા ? આ પ્રશ્ન સામે પંચમહાલની કોંગ્રેસ ટીમ દ્વારા ચોંકાવનારા આક્ષેપ સાથેની રજૂઆત થઈ છે. ડીડીઓ અર્જુનસિંહ વિકાસની ગ્રાન્ટમાં લૂંટ ચલાવી રહ્યા આવે ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર માની રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. લેખિતમાં આવેદનપત્ર આપી કોંગ્રેસે પંચમહાલ ડીડીઓને આડે હાથ લેતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ ચાલતી મિશન મંગલમની કામગીરી ભયંકર નાણાંકીય ગેરરીતિની તપાસનો સામનો કરી રહી છે. આ મામલે ગાંધીનગર સ્થિત જીએલપીસી કચેરીએ પત્ર લખી કસૂરવારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવ્યું છે. જોકે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ તપાસમાં ખૂબ જ વિલંબ દાખવતાં મોટી આશંકા બની રહી છે. આ દરમ્યાન અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રિપોર્ટ પ્રસિદ્ધ થતાં તપાસમાં દોડધામ મચી જતાં આંકડા અધિકારીએ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ દરમ્યાન સમગ્ર મામલે પંચમહાલ જિલ્લા કોંગ્રેસની ટીમે પણ ઝંપલાવી દીધું છે.
પંચમહાલ જિલ્લા કોંગ્રેસના અગ્રણી ઉદેસિંહ બારીયા, ગુરૂરાજસિંહ ચૌહાણ, ગજેન્દ્રસિંહ પરમાર સહિતનાએ લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં ડીડીઓ અર્જુનસિંહ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક અને તુરંત કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારીઓ સાથે જ ભાગીદાર હોવાનો સનસનીખેજ આરોપ મૂક્યો છે. આટલું જ નહિ કોંગ્રેસે તો ડીડીઓ વિરુદ્ધ જ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્થિત જીએલપીસી કચેરીએ પત્ર લખી કસૂરવારો શોધવા કહ્યું તો પંચમહાલ જિલ્લા પંચાયતે રિપોર્ટ તૈયાર કર્યો જેમાં ફરિયાદની કોઈ સંભાવના જ બનતી નથી. આટલું જ નહિ ગાંધીનગર સ્થિત જીએલપીસી કચેરી છેલ્લા 1 વર્ષથી પત્ર લખી રહી છતાં પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી અને ડીઆરડીએ ડાયરેક્ટરને કૌભાંડના સૂત્રધારો મળતાં નથી. આ બાબત ખૂબ જ ગંભીર સમજી પંચમહાલ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ 2.29 કરોડના કૌભાંડમાં સીધા ડીડીઓ સામે કાર્યવાહી કરવા માંગણી કરતી અરજી કરી છે.