નિર્ણય@પંચમહાલ: પાવાગઢ મંદિરમાં હવેથી માઇભક્તો પણ ધજા ચડાવી શકશે, જાણો શું કરાયો નિર્ણય

પાવાગઢ મંદિરમાં હવેથી આસો માસના નોરતાથી માઇભક્તો પોતાની ધજા ચડાવી શકશે
 
File Photo

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતના યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે ઓળખાતા મહાકાળી માતાના ધામ પાવાગઢ મંદિરે હવેથી શિખર ઉપર ધજા ચડાવી શકાશે. માઈ ભક્તો માટે ટ્રસ્ટી મંડળે દક્ષિણાના અલગ-અલગ દર પણ નક્કી કર્યા છે તે અંગેની પણ મહત્વની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, યાત્રાધામ પાવાગઢના મહાકાળી મંદિરના નવનિર્માણ બાદ અહીં આવનારા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરમાં અવાનારા ભક્તોની સુવિધા અને મંદિરની દક્ષિણામાં વધારો થાય તેવા પ્રયત્નોના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, 26 સપ્ટેમ્બર, 2022થી શરૂ થતી આસો નવરાત્રીના પહેલા દિવસથી જ તેનો અમલ કરવામાં આવશે. જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા ઇચ્છતા હોય તે યજમાન ભક્તોને મંદિર તરફથી ધજા અને પ્રસાદી, પૂજાપો તેમજ ધૂપ આપવામાં આવશે. એ સિવાય મંદિરમાં પૂજા કરાવવામાં આવશે અને મંદિર દ્વારા ધજાને શિખર ઉપર ચડાવવામાં આવશે.

ફાઇલ ફોટો


 
સૂત્રોએ જણાવ્યું હતું કે, મંદિરના ટ્રસ્ટીઓએ નક્કી કરેલા ભાવ મુજબ નવ દિવસ સુધી દરરોજની પાંચ ધજા ચડાવવામાં આવશે અને એક ધજા મંદિરના પ્રમુખના નિર્ણય ઉપર વધારાની ચડાવવામાં આવશે. જો યજમાને ચડાવેલી ધજાને તેઓ ઘરે લઈ જવા માંગતા હોય તો મંદિર ટ્રસ્ટને કુરિઅર કરી મોકલી આપશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સાથે જે યજમાન ભક્તો ધજા પરત ન લઈ જાય તે ધજાને ગામડાઓના નાના મંદિરો ઉપર ચડાવવા માંગતા મંડળો કે ભક્તોને ધજાની લંબાઈ મુજબ યોગ્ય દક્ષિણા લઈ આપવામાં આવશે. આ ધજા લાલ કલરની તેમજ શ્રી કાલિકા માતાજીના લખાણવાળી રહેશે.

તમને જણાવી દઇએ કે, નવરાત્રી દરમ્યાન જે માઈ ભક્તો મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા ઇચ્છતા હોય તેઓએ મંદિરમાં નોંધણી કરાવીને ભેટ આપવી પડશે, જેના દર નીચે મુજબ છે...

  • 11 ફૂટની ધજા માટે ભક્તે આપવી પડશે રૂ. 3,100ની ભેટ
  • 21 ફૂટની ધજા માટે રૂ. 4,100ની ભેટ
  • 31 ફૂટની ધજા માટે રૂ. 5,100ની ભેટ
  • 41 ફૂટની ધજા માટે રૂ. 6,100ની ભેટ
  • 51 ફૂટની ધજા માટે રૂ. 11,000ની ભેટ આપવી પડશે.
  • ધજા ચડાવનાર માઇભક્તને મંદિરમાં પૂજા પણ કરાવવામાં આવશે