હિસાબ@પંચમહાલ: મનરેગાના કામોની તપાસમાં આવી એજીની ટીમ, ઊંડાણમાં તપાસ થતાં મળી શકે મસમોટું કૌભાંડ❓
Accountant General mnrega
કોઈપણ કચેરીનો હિસાબ કિતાબ તપાસવા દેશભરની સૌથી ટોચની ગણાય છે એકાઉન્ટ જનરલની ટીમ, અગાઉ શોધ્યા છે અનેક મોટાં કૌભાંડો 
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પંચમહાલ જિલ્લામાં મનરેગા કામોનો હિસાબ કિતાબ તપાસમાં રાજ્યની સૌથી મોટી તપાસ ટીમ આવી છે. ઓડીટ કરવા એકાઉન્ટ જનરલની ટીમ આવી પહોંચતાં આજે દોડધામ મચી ગઇ છે. સૌપ્રથમ ગોધરા તાલુકામાં મનરેગા યોજનાના કામોની તપાસ શરૂ કરવામાં આવી છે. આથી હવે કાલોલ, ઘોઘંબા અને મોરવાહડફ તાલુકાઓમાં પણ મનરેગા યોજના સંબંધિત આલમમાં કંઈ ખોટું તો નહિ મળી આવે ને તેવી ચિંતા પ્રસરી ગઇ છે. મનરેગા યોજનામાં મામલે થયેલી રજૂઆતો/ફરિયાદો જોતાં ઓડિટ ટીમની ઊંડાણમાં તપાસ થતાં અનેક મુદ્દે ચોંકાવનારી વિગતો મળી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં એજીની ટીમ કેટલા દિવસ રહેશે અને કેટલા તાલુકામાં ઓડિટ કરશે તે મુદ્દે કર્મચારીઓ, રોજગાર સેવકો અને પદાધિકારીઓમાં માહોલ ગરમાયો છે. હવે જાણીએ કે, સૌથી મોટી તપાસ ટીમનું કેટલું મહત્વ છે
Mnrega audit
ગુજરાત રાજ્યમાં સરકારની કોઈપણ કચેરી કે વિભાગનો સૌથી સચોટ અને પારદર્શક હિસાબ જો કોઈ કરતું હોય તો એકાઉન્ટ જનરલની કચેરી ખૂબ જ અગત્યની ગણાય છે. રાજકોટ ખાતે વડી કચેરી ધરાવતી એકાઉન્ટ જનરલની કચેરી હેઠળના 2 અધિકારીઓ આજે પંચમહાલ જિલ્લામાં આવી પહોંચ્યા છે. આ ઓડીટ ટીમના અધિકારીઓ આજે સૌપ્રથમ ગોધરા તાલુકામાં મનરેગા યોજનાના વિવિધ કામોના હિસાબ કિતાબની તપાસ કરશે, જરૂર લાગશે ત્યાં સ્થળ નિરીક્ષણ કરશે, મનરેગા માત્ર યોજના જ નથી, સાથે સાથે રાષ્ટ્રીય કાયદો પણ છે. આથી કાયદા બાબત ક્ષતિ, ત્રુટી, એક્ટનો ભંગ, જોગવાઈ વિરુદ્ધ ખર્ચ, ગેરરીતિ સહિતની બાબતે ઓડિટ થતાં તપાસ ખૂબ મહત્વની ગણાય છે.
ઓડિટ કરતાં જો એક રૂપિયાનો પણ કોઈ ખોટો ખર્ચ કે ગેરરીતિ મળી આવશે તો તેની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી પણ થાય તેમ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એકાઉન્ટ જનરલની તપાસ ખૂબ જ તટસ્થ અને પારદર્શક હોય એટલે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર ઓડિટ કામગીરી કરવામાં આવતી હોવાથી મનરેગા યોજના સાથે સંકળાયેલાઓમા દોડધામ મચી ગઇ છે. જેમાં ગોધરામાં તપાસ ટીમ ઊંડાણમાં જતાં એટલે કે જો કાગળ ઉપર બતાવેલ લાભાર્થીઓની પણ જો પૂછપરછ કરે અથવા ગ્રાઉન્ડ ઉપરના કામો અને કાગળ ઉપરના ખર્ચા સહિતનાનું સંપૂર્ણ ક્રોસ ચેકિગ હાથ ધરાશે ત્યારે ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે તેવી સ્થાનિકોમાં ચર્ચા છે.
ગોધરા, મોરવા હડફ, ઘોઘંબા અને કાલોલ સહિતના તાલુકાઓમાં મનરેગા કામોમાં આશંકાઓ રહી છે. આ તાલુકામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કેટલાય નાગરિકોએ ઓનલાઇન પીજી પોર્ટલમા અરજી પણ કરી છે. આ તાલુકાઓમાં ખાસ કરીને મટીરીયલ ખર્ચ સામે લેબર ખર્ચ વધુ હોવા બાબતે સૌથી મોટા સવાલો છે. જોગવાઈ મુજબ કુલ ખર્ચના 60 ટકા લેબર ખર્ચ અને 40 ટકા મટીરીયલ ખર્ચ કરવાનો હોય પરંતુ અનેક કામોમાં મટીરીયલ ખર્ચ જોગવાઈથી અનેકગણું થયાની બૂમરાણ હોઈ ઓડિટ ટીમનું મહત્વ ખૂબ અગત્યનું બન્યું છે. આવી સ્થિતિમાં એકાઉન્ટ જનરલની કચેરીના ઓડિટ અધિકારીઓ આજે ગોધરા આવ્યા હોઇ અન્ય તાલુકાઓમાં પણ મનરેગાનો હિસાબ કિતાબ બરાબર મળી આવશે કે કેમ ? તે વાતને લઈ ઉચાટ, મુંઝવણ અને દોડધામ મચી ગઇ છે.