મનરેગા@પંચમહાલ: એકાઉન્ટ જનરલની ટીમ ઓડિટમાં વધુ સમય આપે તેવી સ્થાનિકોમાં અપેક્ષા, કૌભાંડ ખુલી શકે❓
Thu, 1 Sep 2022

વર્ષે દહાડે એક એક તાલુકામાં કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યારે ઓડીટ ટીમનો રિપોર્ટ ખૂબ અગત્યનો હોઈ સૌ કોઈને અપેક્ષા બને તે સ્વાભાવિક છે
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનાની છેલ્લા કેટલાક વર્ષોની કામગીરી બાદ સૌથી અગ્રિમ કહી શકાય તેવી તપાસ ટીમ આવી પહોંચી છે. જેમાં મંગળવારથી કરોડોના ખર્ચનું ઓડિટ કરી પેરા શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનાની અમલવારી કેટલી પારદર્શક છે તેને લઈ ઉભા થતાં સવાલો બાબતે સ્થાનિકોમાં પણ અપેક્ષા જાગી છે. એકાઉન્ટ જનરલની ટીમ ઓડિટમાં કોઈ કસર નથી છોડવાની એ વાત નક્કી છે તેમ છતાં કાગળ ઉપરની અને સ્થળ પરની તપાસ કામગીરીમાં ટીમ વધુ સમય ફાળવે તેવી અપેક્ષા બની છે. સૂત્રોનું માનીએ તો ગોધરા, કાલોલ, મોરવાહડફ અને ઘોઘંબા તાલુકામાં મનરેગા એક્ટનો ભંગ થયો હોઈ મોટું કૌભાંડ મળી આવે તેવી શક્યતા છે.

ગોધરા તાલુકામાં ગત મંગળવારે એકાઉન્ટ જનરલની ટીમે ઓડિટ કામગીરી હાથ ધરી મનરેગા યોજનાની અમલવારીનું એક રીતે સ્કેનિંગ હાથ ધર્યું છે. 2 સભ્યોની ઓડિટ ટીમ સરકારના નાણાં જોગવાઈ મુજબ અને એક્ટ મુજબ ખર્ચ થયા છે કે કેમ ? તે તપાસવા આવી પહોંચી છે. આ એકાઉન્ટ જનરલની ટીમનો સમગ્ર કાર્યક્રમ પહેલાંથી નક્કી હોઈ શકે આમ છતાં ઓડિટ/તપાસમાં થોડો વધુ સમય ફાળવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. કેમ કે, મનરેગા એકમાત્ર યોજના નથી, હકીકતમાં કાયદો પણ હોવાથી બંને રીતે કંઈપણ અયોગ્ય માલૂમ પડે છે કે કેમ ? તેની શોધખોળ પણ ખૂબ અગત્યની છે. આ સાથે ગોઝરા, ઘોઘંબા, મોરવાહડફ અને કાલોલ સહિતના તાલુકાઓમાં મનરેગા યોજનાની પારદર્શક કામગીરી વિરુદ્ધ અનેક બૂમરાણ મચી હોઈ ઓડિટ કામગીરી ઉપર સૌ કોઈને આશા બંધાઈ છે. બનાવટી જોબકાર્ડ, દુબાર ખર્ચ, મૃતકોના નામે પેમેન્ટ, રેસિયા વિરુદ્ધ ખર્ચ, એસેટની ગુણવત્તામાં લોલમલોલ, એક જ પાર્ટી પાસેથી ખરીદી સહિતના અનેક મુદ્દે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં મોટા પ્રમાણમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ મનરેગા હેઠળ ફાળવવામાં આવે છે. એક એક તાલુકામાં વર્ષે દહાડે કરોડો રૂપિયા મનરેગાના લેબરોને રોજગાર માટે સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે. આવી સ્થિતિમાં કાગળ ઉપરના જોબકાર્ડ ધારકો સુધી હકીકતમાં જે તે રકમ પહોંચી રહી છે કે કેમ ? આ સવાલ પણ ખૂબ અગત્યનો બન્યો છે. એકાઉન્ટ જનરલની ટીમ કેટલા દિવસ કેટલા તાલુકામાં સમય આપશે તે ખ્યાલ નથી પરંતુ જે કોઈ પેરા શોધવામાં આવશે તેના આધારે પંચમહાલ જિલ્લામાં મનરેગાની અમલવારી કેટલી પારદર્શક તે ખ્યાલ જરૂર આવશે.