મનરેગા@મોરવાહડફ: રોજગારીના કાયદામાં રોજગારી ઝીરો, વસ્તુની ખરીદી બેફામ, મલાઇદાર કામો ઉપર જોર
01

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મોરવાહડફ તાલુકામાં મનરેગા યોજના જાણે રોજગારી ઓછી અને ચીજવસ્તુઓની ખરીદી માટે ચાલતી હોવાનું સામે આવ્યું છે. વિચાર તો કરો, રોજગારીનો રાષ્ટ્રીય કાયદો હોવા છતાં અનેક કામોમાં રોજગારી ઝીરો અને ચીજવસ્તુઓની ખરીદી બેફામ છે. આટલું જ નહિ ચોક્કસ ગામમાં મિલીભગતથી પેવર બ્લોક અને સીસી રોડના કામો કરવામાં આવ્યા છે. જેમાં પણ 60 ટકા લેબર ખર્ચનો છેદ ઉડાવ્યો છે. વારંવાર 60:40 ના રેશિયાનુ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છતાં કોઈ ફરિયાદ નથી. મનરેગા યોજના સાથે એક કાયદો પણ છે છતાં ગાઇડલાઇન વિરુદ્ધ કામગીરી થઇ છે. સમગ્ર મામલે સૂત્રોએ જણાવ્યું કે, એકબીજાના મેળાપીપણામાં છેલ્લા કેટલાક વર્ષોથી રોજગારીના નામે ખર્ચ પાડી વેન્ડરો મારફતે રોકડી ઉભી કરી રહ્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા બાદ મોરવાહડફ તાલુકામાં મનરેગા યોજનાની અમલવારી કેટલા અંશે સચોટ અને પારદર્શક છે તે બાબતે તપાસ કરતાં ચોંકાવનારી વિગતો મળી છે. સરકારના ઓનલાઇન પોર્ટલમાં જ સમગ્ર મામલે વિગતવાર માહિતી રજૂ થયેલી છે. જેમાં મોરવાહડફ તાલુકાના અનેક ગામોમાં કુલ ખર્ચના 60 રોજગારી પાછળ ખર્ચ થતો નથી. જ્યારે મટીરીયલ ખર્ચ 40 ટકાને બદલે 60ટકાથી વધુ કરી વેન્ડરો સાથે ટકાવારી ગોઠવાઈ છે. અનેક ગામમાંથી એકમાત્ર મોરવા(હ) અને મોજરી ગામની વિઝીટ લેતાં કેટલાક કામોમાં તો રોજગારી ઝીરો આપી છે અને વસ્તુઓની ખરીદી બેફામ કરી છે. લેબર અને મટીરીયલના રેશિયાનો નિયમ તો ગણ્યો જ નથી અને ઉપરથી ચોક્કસ પ્રકારના કામો કરવામાં આવી રહ્યા છે. તાલુકાના એક ગામમાં એક જ વર્ષમાં દોઢ કરોડના પેવર બ્લોક પાથરી દીધા છે. જેમાં રોજગારી નહિવત્ અને વેપારી પાસેથી બ્લોકની ખરીદી દાબીને કરવામાં આવી છે.

02


સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘોઘંબા સાથે સાથે જો મોરવાહડફ તાલુકામાં પણ મનરેગા કામોની તટસ્થ, ઊંડાણપૂર્વક અને પારદર્શક તપાસ થાય તો મનરેગા કાયદાના અનેક નિયમોનું ઉલ્લંઘન મળી આવે તેમ છે. આ સાથે કોઈ ચોક્કસ વેપારી પાસેથી જ તમામ ચીજવસ્તુઓની ખરીદી અંદરોઅંદર ટકાવારીની ગોઠવણ કરી બેનામી આવક ઉભી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં એજીની તપાસ ટીમ ઓડીટ માટે આવી ત્યારે વિસ્તારના લોકો મનરેગા યોજનામાં મહા કૌભાંડ મળી શકે તેવી શક્યતા જોઈ રહ્યા છે.

02

જમીન વિકાસ અને દિવાલના ચણતરમાં પણ ઝીરો રોજગારી

જે કામોમાં લેબર એટલે કે મજૂરભાઇઓ એટલે કે જોબ કાર્ડ ધારકોની ખૂબ જરૂર પડે તેવા કામોમાં પણ જોબકાર્ડ ધારકો એકપણ નથી. મોરવાહડફ તાલુકાના કેટલાક ગામમાં સંરક્ષણ દિવાલના કામ અને જમીનના કામમાં લેબર ખર્ચ ઝીરો હોવાનું સામે આવ્યું છે. હવે તમે વિચાર કરો બે ચાર ગામોની તપાસમાં આટલું મળી આવ્યું છે ત્યારે તાલુકાના તમામ ગામોમાં સરકાર સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ તપાસ કરે તો અગણિત ગેરરીતિ મળી આવે તેમ છે.