ખળભળાટ@ઘોઘંબા: 3 તલાટી, 4 ટીડીઓ, 3 ઈજનેર સહિત 26 જણાં સામે ફરિયાદ, 38 લાખની ઉચાપતનો ગુનો દાખલ

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પંચમહાલ જિલ્લામાં ફરી એકવાર મનરેગામાં ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. ડીડીઓ બારીયા અને ડેપ્યુટી મકવાણાએ કૌભાંડીઓ વિરુદ્ધ શરૂ કરેલી કાર્યવાહીમાં હવે ઘોઘંબાનો મુદ્દો સામે આવ્યો છે. સરકારી કર્મચારી, કરાર આધારિત કર્મચારી અને રાજકીય વ્યક્તિઓએ એકબીજાના મેળાપીપણામાં ખોટા જોબકાર્ડ ઉપર 38 લાખનુ કૌભાંડ આચર્યું હતુ. જેની તપાસને અંતે ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીએ વિવિધ સુચના આધારે ભ્રષ્ટાચાર કરવાવાળા, કરાવવા વાળા અને ફરજમાં નિષ્કાળજી વાળા સહિત 26 જણાં વિરુદ્ધ દામાવાવ પોલીસ સ્ટેશને કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ખાસ કરીને 3 તલાટી, 3 અમઈ અને 4 ટીડીઓ પણ આરોપી બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આવો જાણીએ સમગ્ર અહેવાલ....

Panchmahal

પંચમહાલ જિલ્લામાં નદીસરના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ વંદેલીની તપાસ હજુ ચાલે છે ત્યારે ઘોઘંબાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવતાં વહીવટી આલમમાં દોડધામ મચી ગઇ છે. છેલ્લા કેટલાક સમયથી ફરીયાદ દાખલ થવાની હિલચાલ આખરે પરિપૂર્ણ થઇ તેમાં હવે કૌભાંડનો આંકડો, કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને કૌભાંડીઓના નામો સહિતની બાબતો સ્પષ્ટ થઈ છે. ઘોઘંબા તાલુકાની માલુ ગ્રામ પંચાયતમાં વર્ષ 2009થી 2012 દરમ્યાન ડબલ આઇ.ડીવાળા જોબકાર્ડનો દૂરૂપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં મનરેગા શ્રમિકોને 100 દિવસ કરતાં વધુની રોજગારી આપી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું હતુ. તપાસમાં ડિલીટ કરવામાં આવેલ જોબકાર્ડની અંદાજીત રકમ રૂા.38,26,645 ની ગેરરીતી આચરી હોવાનું પકડાયું હતુ. 

Panchmahal

ગોધરાની પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પત્રમાં જણાવ્યાં મુજબ માલુ ગ્રામ પંચાયતમાં એકજ કુટુંબના એકથી વધુ જોબકાર્ડ બનાવીને યોજનાની ગાઈડલાઈન વિરુધ્ધ કામગીરી કરી હતી. ભ્રષ્ટાચાર માટે બનાવેલ 779 જોબકાર્ડના રૂપીયા 38,26,645/- ની ગેરરીતી આચરી હોવાનું સામે આવ્યુ હતુ. આથી સમગ્ર મામલે જવાબદાર એવા સરપંચ, તલાટી, ગ્રામ રોજગાર સેવક સામે ઉંડાણપૂર્વક તપાસ થઈ હતી. આ પછી જવાબદારી નક્કી કરી કુલ 26 જણાંને આરોપી ગણી તેમનાં વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Panchmahal

વર્ષો જૂની તપાસમાં આખરે ફરીયાદ દાખલ થવા ખૂબ મહેનત થઈ ત્યારે આ દરમ્યાન આરોપીઓને થોડો અંદાજ આવી ગયો હતો. આથી ફરીયાદ ના થાય અથવા થાય તો આરોપી ના થવાય તે માટે પણ દોડધામ થઇ હતી. જોકે તપાસના રિપોર્ટ આધારે સુચના મળતાં જ ઘોઘંબા તાલુકા વિકાસ અધિકારીએ આઇપીસી 409 મુજબ દામાવાવ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવી દીધો છે.