રીપોર્ટ@હાલોલ: પ્લાસ્ટિકના યુનિટો ચાલુ-બંધ-ચાલુની ચાવી જીપીસીબી પાસે, શું કહે છે અન્ય કચેરીઓ?

ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં પ્લાસ્ટિકના ઝબલાના યુનિટો બેફામ ચાલે, બંધ થાય પરંતુ એકમાત્ર સત્તા ભોગવતાં પ્રાદેશિક અધિકારીનો દબદબો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
હાલોલ પંથકમાં પ્લાસ્ટિકના પ્રતિબંધિત શ્રેણીમાં આવતાં યુનિટો વિરુદ્ધ કેટલાક મહિના અગાઉ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે એકસામટી સૌથી મોટી કાર્યવાહી કરી હતી. તે દરમ્યાન બંધ થયેલા યુનિટોને ફરીથી ચાલુ થવા/ચાલુ કરાવવા દોડધામ તુરંત શરૂ થઈ હતી. આ પછી અનેક યુનિટોએ રિવોકેશનની અરજી કરી સાધનિક કાગળો આધારે વિજ કનેક્શન સહિતની વ્યવસ્થા કરવા મથામણ કરી છે. હવે અહિં સૌથી મોટો સવાલ થાય કે, કરોડોના વેપાર કરતાં અને જોગવાઈથી વિરુદ્ધના પ્લાસ્ટિક ઝબલા બનાવતાં યુનિટો ચાલુ-બંધ અને ફરી ચાલુ થવા દેવાની એકમાત્ર ચાવી ગોધરા આર.ઓ અથવા જીપીસીબી પાસે છે?? જાણકારોના મતે, હકીકતમાં અનેક કચેરીઓની પણ સત્તા, ફરજની રૂએ ભૂમિકા આવે પરંતુ અત્યાર સુધી ડંડો પછાડી કાર્યવાહી કરવાની તક પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીને આવી છે. આ બાબતે લાગતી વળગતી કચેરીના કર્મચારી/અધિકારીઓને પૂછતાં જણાવ્યું તે પણ જાણીએ.
પંચમહાલ જિલ્લાના હાલોલ શહેર, ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 200થી 300 યુનિટો પ્લાસ્ટિક સંબંધિત ઉત્પાદનો સાથે સંકળાયેલા છે. આ યુનિટો પૈકીના રિવોકેશન દરમ્યાન પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતની કોઈપણ કચેરીઓમાં એવું ક્યાંય પણ નથી જણાવતાં કે, 50કે 100 માઇક્રોન ઉપરના ઝબલા બનાવીશું. હવે થાય છે કે, એવું કે, રિવોકેશન અરજીમાં શંકાસ્પદ કાગળો બતાવી/શંકાસ્પદ કાગળો છતાં નજર અંદાજ કરી વીજ પુરવઠો ચાલુ કરાય/કરાવી દેવાય છે. આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ફેક્ટરી યુનિટ બંધ થાય, ચાલુ થાય છતાં જીઆઇડીસી નિગમ કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી સહિતની કચેરીઓને જાણ થતી નથી. આવી સ્થિતિમાં પરિસ્થિતિ એવી બની જાય કે, અનેક કચેરીઓની નાની મોટી ભૂમિકા છતાં હુકમનો એક્કો પ્રાદેશિક અધિકારીની પાસે રહે તેવી પરિસ્થિતિ બનવા પામે છે. નીચેના ફકરામાં વાંચો કોણે શું કહ્યું
આ અંગે સૌપ્રથમ જીઇબીના સંબંધિત ઈજનેર રોહિતભાઇએ જણાવ્યું કે, વીજ પુરવઠો બંધ કરવો કે ચાલું કરવો એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પત્ર મોકલે તેનાથી થાય છે પરંતુ હવે અમે ઉત્પાદક પાસેથી ધંધા વ્યવસાયની વિગતો મેળવવાની શરુઆત કરી છે. આ તરફ જીઆઇડીસી નિગમ કચેરીના કસ્ટોડિયન ઈજનેર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમને હજુસુધી યુનિટ, ફેક્ટરીના ફેરફાર, ચાલુ બંધ કે ધંધાના પ્રકાર સંબંધે થતાં ફેરફારની જાણ થઈ નથી. આ તરફ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, પંચમહાલના ઇન્સ્પેક્ટર યાદવે જણાવ્યું કે, અમો રૂટિન તપાસમાં જઈએ અને જો ડોક્યુમેન્ટ બાબતે ફેરફાર ધ્યાને આવે તો કહીએ છીએ પરંતુ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડથી થતી કાર્યવાહીની જાણ થતી નથી. આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ જાણીએ.