માંગ@ગુજરાત: વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસનો એક સૂર, પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી જરૂરી

 
Geniben thakor

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભામાં પ્રેમ લગ્ન મુદ્દે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોનો એકમત જોવા મળ્યો છે. વિગતો મુજબ અગાઉ વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ તરફ હવે કલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી હતી.

ગુજરાતમાં પ્રેમ લગ્ન મુદ્દે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોનો એકમત હોય તેમ પ્રેમલગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી કરાવવી ફરજિયાત હોવી જોઈએ તેવી વાત રજૂ કરાઇ છે. અહી નોંધનીય છે કે, BJP MLAની આ વાતને વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેને સમર્થન આપ્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલ રજૂઆત મુજબ પ્રેમ લગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરાઇ છે. આ સાથે જણાવ્યું છે કે, લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની પણ જરૂર છે. સહમતી વિના થતા લગ્નને કારણે ક્રાઈમ વધે છે. આ સાથે જણાવાયું છે કે, માતા-પિતાની સહીનો કાયદો આવવાથી સામાજિક રીતે ફાયદો થશે.

Geniben
બે વર્ષ પહેલા ગેનીબેન ઠાકોરે લખેલ પત્ર

નોંધનીય છે કે, લગભગ 2 વર્ષ પહેલા પણ વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે, સમાજમાં બદનામીની છાપ ધરાવતા લોકો દિકરીઓને લોભ, લાલચ આપી ભગાડી જાય છે. આ સાથે આવા વ્યક્તિઓ દીકરીઓને ભગાડી બીજા જિલ્લાઓમાં જઈને લગ્ન કરે છે. આ તરફ દિકરીના સમાજ અને મા-બાપને પરિવારને આ વાતની ખબર પડે ત્યારે કુટુંબ તમામ રીતે તૂટી જાય છે. જેને લઈ બાકીના અન્ય દીકરા-દીકરીઓના સમાજમાં કોઈ સગપણ થતાં નથી. 

તેમણે કહ્યું હતું કે, જે દીકરી અન્ય સમાજમાં લગ્ન કરવા માગતી હોય કે સમાજમાં કરવા માગતી હોય તો તેના માતા-પિતા અથવા દીકરીના જેની સાથે લોહીના સંબંધ ધરાવે છે તથા વાલીની સંમતિ અને સાક્ષીમાં તેમની સહી લેવામાં આવે તે સમયની માંગ છે. જેથી કોઈ તકલીફ ઊભી ન થાય અને લગ્નની નોંધણી દીકરીના ગામમાં જ થવી જોઈએ અને સાક્ષીમાં ગામના લોકો જ રાખી શકાય તે પણ કાયદામાં સુધારો કરવો જોઈએ.