ચોમાસું@ગુજરાત: આગામી દિવસોમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ કરી આગાહી
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાલ મેઘરાજાએ ખમૈયા કર્યા છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને ચિંતા છે કે ચોમાસું પાકની વાવણી કરવી કે નહીં? ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટના બાકી દિવસો માટે અનુમાન કર્યુ છે કે ,હાલ ભારે વરસાદ થશે કે નહીં. તેમણે આ અંગે જણાવ્યુ છે કે, ગુજરાતમાં હાલ વરાપ રહેશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ઓગસ્ટ મહિનો ખૂબ જ નબળો સાબિત થવાનો છે. જૂન અને જુલાઇ બાદ ઓગસ્ટ મહિનામાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે. નૈઋત્યનું ચોમાસાની ધરી ઉત્તર ભારત તરફ ખસેલું છે. જેના કારણે હાલ ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ ચાલું રહેશે અને ગુજરાતમાં વરાપ રહેશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે, સામન્ય રીતે આ મહિનામાં પનનની ગતિ ઓછી હોવી જોઇએ પરંતુ હાલ પવનની ગતિ વધારે છે. હાલ પવન પશ્ચિમ- પશ્ચિમ દક્ષિણનો ચાલી રહ્યો છે. આ પવનની ગતિ 18મી ઓગસ્ટ સુધી આવો જ રહેશે. આ 18 ઓગસ્ટ બાદ પવનની ગતિ અને દિશા બંનેમાં બદલાવ આવશે. જેના કારણે રાજ્યનું વાતાવરણ ચોખ્ખું થઇ જશે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યુ કે, 18 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઇ જ જગ્યાએ વરસાદ થવાની શક્યતા નથી. જે બાદ 18 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધીમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા દેખાઇ રહી છે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 18થી 21 ઓગસ્ટ સુધીમાં કોઇ જગ્યાએ સારો વરસાદ થાય એવી શક્યતા નથી. જે બાદ 30 ઓગસ્ટ સુધી ફરીથી રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે. તેમા પણ ઉત્તર ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ દેખાઇ રહી છે.