અપડેટ@ગુજરાત: બંગાળની ખાડીમાં બન્યું લો પ્રેશર, રાજ્યમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીની આગાહી
અટલ સમાચાર, ડેસ્ક
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા બંગાળની ખાડીના લો પ્રેશર અંગે વાત કરીને વરસાદ અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેના કારણે રાજ્યના 30-40 ટકા ભાગને વરસાદ મળી શકે છે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે આગામી સમયમાં ચોમાસું કેવો વળાંક લેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. પરેશ ગોસ્વામીએ 17મી ઓગસ્ટે રાજ્યના હવામાન અંગે સંભાવના વ્યક્ત કરીને જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે, જેના કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. 18 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતાઓ નહોતી અને તે પ્રમાણેનું જ વાતાવરણ જોવા મળ્યું છે, પરંતુ હવે 17 ઓગસ્ટના રોજ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે.
આ બંગાળની ખાડીના લો પ્રેશરનો ટ્રેક ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરીને મધ્યપ્રદેશ સુધી આવશે અને પછી તે ઉત્તર તરફ નીકળી જશે. આ લો પ્રેશર ગુજરાતની બાજુમાંથી પસાર થશે. જ્યારે આ લો-પ્રેશર ગુજરાતની બાજુમાંથી પસાર થશે એટલે એક શીયર ઝોન સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં 19, 20 અને 21 આ ત્રણ દિવસ વરસાદની શક્યતાઓ હોવાનું પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે. જેમાં તેમણે મધ્યપ્રદેશ બોર્ડર પર આવતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
રાજ્યમાં પરેશ ગોસ્વામી દ્વારા 19થી 21 ઓગસ્ટ દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજપીપળા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા અને મહીસાગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા સાથે પાટણ અને બનનાસકાંઠાના કેટલાક ગામોમાં વરસાદની શક્યતાઓ છે. આ તારીખો દરમિયાન મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ અને ખેડાના ભાગોમાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકદમ સામાન્ય ઝાપટાં થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટાં થઈ શકે છે. જોકે, અહીં વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે છે. આ સિવાય કચ્છ જિલ્લામાં મોટા વરસાદની શક્યતાઓ નથી.