નિર્ણય@ગુજરાત: રજા છતાં 15 જુલાઈથી સતત 3 શનિવાર પાસપોર્ટ સેવા કેન્દ્રો ચાલુ રહેશે

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદમાં હજુ પણ નવા કે રિન્યૂ પાસપોર્ટ માટે નોર્મલ કેસમાં દોઢ મહિને એપોઇન્ટમેન્ટ મળી રહી છે. પાસપોર્ટની અરજીઓનો બેકલોગ વધી રહ્યો હોવાથી વિદેશ ફરવા કે અભ્યાસ અર્થે જનાર લોકો હેરાન થઇ રહ્યા છે. પાસપોર્ટની મંદરગતિએ ચાલતી પ્રક્રિયા સામે વિદેશ મંત્રાલય સુધી ફરિયાદો થઈ હતી.
અરજીઓનો બેકલોગ ઘટાડવા ત્રણ શનિવાર પીસએસકે ખુલ્લા રાખી પેન્ડિંગ 9000 અને પીઓપીએસકમાં ત્રણ હજાર મળી કુલ 12000 એપોઇન્ટમેન્ટ રિલીઝ કરાશે. જો કે નિષ્ણાતો જણાવી રહ્યા છે કે જો આ કામગીરી વેકેશનમાં શરૂ કરવામાં આવી હોત તો હજારો અરજદારોને સમયસર પાસપોર્ટ મળી જાત.
અમદાવાદના મીઠાખળી, વિજય ચાર રસ્તા, વડોદરા, રાજકોટ એમ ચાર પાસપોર્ટ સેવા કેન્દ્ર (પીએસકે) માં ત્રણ હજાર અને રાજ્યના 21 પીઓપીએસકેમાં 1100 એપોઇન્ટમેન્ટ રિલીઝ કરાશે. જે અરજદારોએ નોર્મલ કેસમાં એક મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળી છે તેઓ પોતાની એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યુલ કરી શનિવારે કરી શકશે. અરજદારોને રાહત ફક્ત એટલી મળી છે કે, તત્કાલ પાસપોર્ટની એપોઇન્ટમેન્ટમાં જે 15 દિવસનો વેઇટીંગ પિરિયડ હતો તે ઘટી બીજા દિવસની તારીખ મળી રહી છે.