આગાહી@ગુજરાત: પાટણ-મહેસાણા અને બનાસકાંઠામાં આજે પડશે અંગ દઝાડતી ગરમી, તાપમાન 44 ડિગ્રીને પાર જઈ શકે

 
Manorama Mohanti havaman

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના નથી. મોટાભાગે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં ગરમીનો પારો હાલ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, તાપમાનનો પારો વધી ગયો છે. હવે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ નથી. જોકે, આગામી બે દિવસમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં તાપમાન 42-44 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરમાં આજે 44 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે. જ્યારે બે દિવસ પછી 42-43 ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે. અમદાવાદ માટે ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બે દિવસ યલો એલર્ટ રહેશે. રાજ્યભરમાં તાપમાનનો પારો વધી ગયો છે. પાંચ દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. જેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે.