વહીવટ@પાટણ: હંમેશા યાદ રહેશે સુપ્રિતસિંઘ ગુલાટી, દરેકને તક આપવા સહિત અનેક કામગીરી કાબીલેદાદ

 
Patan Collector

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

રાજ્ય સરકારે એકસાથે 109 આઇએએસ અધિકારીઓની બદલીનો હુકમ કર્યો છે ત્યારે મોટાપાયે વહીવટી ફેરફાર થયો છે. જેમાં પાટણ જિલ્લાના કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીની પણ બદલી થતાં અનેક યાદગીરી છોડી ગયા છે. રાજ્ય સરકારના કાર્યકમો હોય કે પછી સામાન્ય નાગરિકની રજૂઆત હોય, તમામ કામગીરી કાબિલે તારીફ રહી છે. ગુલાટીની બદલીથી નાગરિકોને હરહંમેશ યાદગીરી અને આત્મીય અધિકારીનો અસંતોષ રહે તેવી અનુભૂતિ થઈ શકે છે. સુપ્રિતસિંઘ એવા અધિકારી રહ્યા કે, દરેકને તક આપતાં અને દરેકને શાંતિથી સાંભળતા હતા. આટલું જ નહિ કલેક્ટર તરીકેનો રૂઆબ રાખવાને બદલે આમ નાગરિક તરીકે રહેવાનો પ્રયત્ન કર્યો છે. જાણીએ આઇએએસ ગુલાટીની યાદગાર કામગીરી.....

Patan

ગુજરાત સરકારના આઇએએસ અધિકારીઓની બદલીમાં પાટણ જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીનુ નામ હોવાનું જાણી અનેકને ઘડીભર આંચકો બન્યો હતો. નાગરિકોની રજૂઆતોને ખૂબ મહત્વ આપતાં અને વારંવાર ફિલ્ડમાં રહેતાં અધિકારી એવા સુપ્રિતસિંઘ ગુલાટી હવે પાટણ કલેક્ટરથી સીધા ગાંધીનગર જશે. રાજ્ય સરકારે 109 આઇએએસ અધિકારીઓની બદલીમાં પાટણ કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટીને આદિજાતી વિકાસના નિયામક તરીકે મૂક્યા છે. જોકે ગુલાટીની પાટણના કલેક્ટર તરીકેની કામગીરી ખૂબ જ આવકારદાયક રહી છે. સરકારી કાર્યક્રમોની સફળતાપૂર્વક ઉજવણી, ફરિયાદ નિવારણ સિસ્ટમ, પારદર્શક અમલવારી અને નાનામાં નાના માણસની રજૂઆતનો નિકાલ કરવા સહિતના અનેક કામો સંભારણા બની ગયા છે.

આઇએએસ સુપ્રિતસિંઘ ગુલાટીની સૌથી મોટી ખાસિયત જાણો તો કલેક્ટર તરીકેનો કોઈ દબદબો રાખ્યો નથી. નાગરિકો વચ્ચે કે ફરિયાદ વચ્ચે ભેદભાવ નથી રાખ્યો, રાજકીય કે વહીવટી સિસ્ટમ વચ્ચે પણ નિયમાનુસાર વર્તન જાળવી રાખ્યું હતુ. આટલું જ નહિ, એક નાગરિક તરીકે તમે કોઈપણ રજૂઆત ગમે તે પ્લેટફોર્મથી કરો છો પણ તેનો નિકાલ લાવવા પ્રયત્નશીલ રહ્યા છે. પાટણ કલેક્ટર સુપ્રિતસિંઘ ગુલાટી અનેક કર્મચારીઓ, નાગરિકો, સંસ્થાઓ, પદાધિકારીઓ સહિતના અનેક લોકોને અનેક બાબતે યાદગીરી રખાવવા સફળ રહ્યા છે.