બ્રેકિંગ@મહેસાણા: ST ડિવિઝનનો વિચિત્ર આદેશ, કંડક્ટરો ટિકિટ રોલની પ્લાસ્ટિકની ભૂંગળીઓ જમા કરાવો

અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા એસટી ડિવિઝન દ્વારા હવે કંડક્ટરોને મોટો આદેશ આપવામાં આવ્યો છે. વિગતો મુજબ કંડક્ટરોને હવે ટિકિટ માટેના થર્મલ પેપર રોલની ખાલી પ્લાસ્ટિકની ભૂંગળીઓ જમા કરાવવાની રહેશે. જો તેમ નહીં આવે તો તેમને નવા ટિકિટ રોલ નહીં મળે. આ સાથે જો તેનાથી એસટીના સંચાલનમાં કોઈ વિક્ષેપ(મુશ્કેલી) ઊભા થશે તો તેની જવાબદારી જે-તે કંડક્ટરની રહેશે તેવો વિચિત્ર આદેશ મહેસાણા એસટી વિભાગે આપ્યો છે.
મહેસાણા એસટી વિભાગ દ્વારા કંડક્ટરોને આપવામાં આવતા ટિકિટ માટેના થર્મલ પેપરના રોલ ખાલી થઈ ગયા પછી તેની પ્લાસ્ટિકની ભૂંગળીઓ સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતી હોય છે અથવા કન્ડક્ટરો દ્વારા તેનો ગમે ત્યાં નિકાલ કરવામાં આવે છે. કેટલાક ડેપોમાં થર્મલ પેપર રોલની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે અને જરૂરિયાત કરતાં વધુ થર્મલ પેપર રોલનો વપરાશ થાય છે. આ બાબત ધ્યાનમાં આવતા મહેસાણા એસટી વિભાગે હવે થર્મલ પેપર રોલનો હિસાબ રાખવા તેમજ પ્લાસ્ટિકની ભૂંગળીઓને કચરામાં જતી અટકાવવા માટે આ ભૂંગળીઓ સ્ટોરમાં પાછી જમા કરાવવા આદેશ આપ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા એસટી વિભાગે 17 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, વિભાગમાં માસિક અંદાજે 35,000થી 40,000 થર્મલ પેપર રોલનો વપરાશ થાય છે. તેમાંથી નીકળતી પ્લાસ્ટિકની ભૂંગળીઓ સ્ક્રેપમાં વેચી શકાય તેવી હોય છે, જેથી સંસ્થાને આર્થિક લાભ થઈ શકે છે. આ સિવાય અનેક એસટી બસ ડેપોમાં થર્મલ પેપર રોલની જરૂરિયાત કરતાં વધુ પેપર રોલનો વપરાશ થાય છે અને થર્મલ પેપર રોલની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. આ સમસ્યાઓના નિવારણ માટે મહેસાણા એસટી વિભાગે 14 ફેબ્રુઆરી 2023થી નવા થર્મલ પેપર રોલની ખરીદીના હુકમથી અત્રેથી ઈશ્યુ કરાયેલા ટિકિટ રોલ સામે તેટલી જ ખાલી પ્લાસ્ટિકની ભૂંગળીઓ જમા કરાવવા જણાવ્યું છે.
આ સાથે જણાવ્યું છે કે, કંડક્ટરોનેને તેઓ જેટલી ખાલી પ્લાસ્ટિકની ભૂંકળીઓ રજૂ કરશે તેટલા જ નવા પેપર રોલ તેમને ઈશ્યુ કરવામાં આવશે. આ સાથે મહેસાણા એસટી વિભાગે કંડક્ટરોનેને પ્લાસ્ટિકની આ ભૂંગળીઓ 100-100 નંગના જથ્થામાં પેક કરીને જમા કરાવવા વિનંતી કરી છે. આ સિવાય એવો પણ આદેશ અપાયો છે કે, પ્લાસ્ટિકની ભૂંગળીઓ જમા કરાવ્યા સિવાય થર્મલ પેપર રોલ ઈશ્યુ કરવામાં નહીં આવે અને તેના કારણે એસટીના સંચાલનમાં કોઈ વિક્ષેપ પેદા થશે તો તેની જવાબદારી કંડક્ટરોનેની રહેશે.