સરાહનિય@રાજકોટ: લોકોએ સ્વયં આજી ડેમમાંથી કચરો સાફ કર્યો, જાણો શું છે વિગત

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં લોકોની અનોખી જાગૃતિ જોવા મળી છે. રાજકોટની સામાજિક સંસ્થા રોટરી ક્લબ દ્વારા શહેરના ન્યારી ડેમ વિસ્તારમાં તંત્રનું કામ લોકો કરતા દેખાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા આમ તો સ્વચ્છતાની બાબતમાં દેશભરમાં ટોપ 10માં સ્થાન મેળવી ચૂકી છે. જોકે સૌથી ગંભીર બાબતો એ સામે આવી કે શહેરભરને પીવાનું પાણી પૂરું પાડતો ન્યારી ડેમ જ ગંદકીનો અડ્ડો બન્યો છે. રાજકોટ શહેરના ફરવાલાયક સ્થળ એવા ન્યારી ડેમમાં તણાઈને કચરો આવ્યો છે. ભારે પવનના કારણે કચરો તણાઈને કાંઠે પહોંચ્યો હતો. જે બાદ સ્માર્ટ સિટી રાજકોટ શહેરની ભાગોળે આવેલા ન્યારી ડેમની હાલત બદથી બદતર જોવા મળી હતી.

રાજકોટના ન્યારી ડેમ કાંઠે રોજ સાયકલિંગ કરવા નીકળેતા રોટરી ક્લબના સભ્યોની નજરે આ કચરો પડ્યો હતો. ત્યાર બાદ રોટરી ક્લબના સભ્યોએ આ કચરો સાફ કરવાનું વિચાર્યું હતું. રવિવારે રજાના દિવસે રોટરી ક્લબના સભ્યો આ સ્થળ પર પહોંચી ગયા હતા અને પહેલા તો સ્વયં જ આ કચરો સાફ કરવાનું ચાલુ કર્યું હતું. જોકે ત્યાર બાદ ખ્યાલ આવ્યો કે કચરાની માત્રા વધારે છે. જેથી અલગ-અલગ બે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. જોકે આ મામલે રોટરી ક્લબના સભ્યોએ મહાનગરપાલિકા પાસે પણ મદદ માગી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ પણ તાત્કાલિક ડમ્પર મોકલી આપ્યું હતું.

 રોટરી ક્લબના સભ્ય દ્વારા સવારના પ્રથમ બે કલાકમાં 9 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો હતો. અલગ-અલગ ત્રણ ટ્રક ભરાય તેટલો કચરો સવારમાં જ કાઢવામાં આવ્યો હતો. જોકે રોટરી ક્લબના સભ્યો દ્વારા દિવસભર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. ડેમ કાંઠા વિસ્તારમાં પડેલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો અને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. રોટરી ક્લબના સભ્યોએ લોકોએ સ્વયં પણ જાગૃત થવાનું જણાવ્યું હતું. લોકો જ્યારે ફરવા નીકળતા હોય છે ત્યારે ગંદકી ફેલાવતા હોય છે.