ભેટ@મહેસાણા: પ્રધાનમંત્રી મોદીએ ખેરાલુથી 5950 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા

 
PM Modi

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લાના ડભોડા ગામ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં ₹ 5950 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. લોકાર્પણ અને ખાતમુહૂર્તનાં વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યોથી ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને લાભ થશે.

આ કાર્યક્રમ દરમિયાન રેલવે વિભાગના બે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેમાં મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. તે સિવાય વીરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાને લોકાર્પણ કર્યું. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટરનાં રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. રેલવે અને GRIDEના આ પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 5130 કરોડ છે. 

મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું વડાપ્રધાનનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું. જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ તમામ વિકાસ પ્રકલ્પનું મૂલ્ય ₹ 270 કરોડ છે. 

ડભોડા ખાતેથી વડાપ્રધાને બનાસકાંઠા જિલ્લાના પાણી પુરવઠાના ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું તેમજ મહેસાણાના એક પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેમાં પાલનપુર ગ્રુપ પેકેજ 1 (પાર્ટ-એ) અને પાલનપુર ગ્રુપ પેકેજ 2ના કાર્યોનું લોકાર્પણ તેમજ ધરોઈ ડેમ આધારિત 80 એમએલડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટનાં લોકાર્પણનો સમાવેશ થાય છે. જ્યારે મહેસાણાનાં ધરોઈ ઓગ્મેન્ટેશન પાર્ટ-2 કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. આ ચાર પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 210 કરોડ છે. આ પ્રસંગે નરોડા-દહેગામ-હરસોલ- ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું વડાપ્રધાનનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રકલ્પનું મૂલ્ય ₹ 170 કરોડ છે. 

આ પ્રસંગે વડા પ્રધાનનાં હસ્તે શહેરી વિકાસ વિભાગનાં ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના જે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણનાં પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત, પાટણના સિદ્ધપુરમાં 13.50 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં 05.07 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 170 કરોડ છે.