ગૌરવ@મહેસાણા: શિક્ષણ વિભાગના ‘પ્રોજેક્ટ પથ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનાયત કરશે એવોર્ડ

 
Mehsana Jilla Panchayat

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લા માટે એક ગૌરવનાં સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગની ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત શિક્ષણ સુધારણા અંગેની નવતર પહેલ માટે "ઇનોવેશન સ્ટેટ" કેટેગરીમાં પ્રધાનમંત્રી એવોર્ડ ‘પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ માટે પસંદગી કરવામાં આવી છે. 

ગુજરાતને આ સિદ્ધિ બદલ તા. 21મી એપ્રિલ, 2023ના રોજ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે. પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સુધારા માટે ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત મહેસાણા જિલ્લાની 994 સરકારી પ્રાથમિક શાળાઓમાં સફળ અમલીકરણ બદલ આ એવૉર્ડ એનાયત થનાર છે.

પ્રોજેક્ટ પથ મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા દર્શાવવામાં આવેલા સમર્પણ, નવીનતા અને આત્મસન્માનની વાર્તા છે. તે જાહેર વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. જિલ્લા કક્ષાની પહેલ માત્ર 994 શાળાઓમાં આટલા મોટા પાયે અમલમાં મુકવામાં આવી છે અને 1.38 લાખ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોમાં સુધારો થયો છે, આથી રાજ્યમાં તેને મંજૂરી આપી અમલમાં મૂકવામાં આવ્યો છે.

કોવિડ-19 રોગચાળા દરમિયાન વાંચન, લેખન અને સંખ્યા જેવા મૂળભૂત કૌશલ્યો સહિત વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 5 જુલાઈ, 2021ના રોજ ‘નિપુણ ભારત મિશન’ની શરૂઆત કરી હતી. NIPUN (નેશનલ ઇનિશિએટિવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડીંગ વીથ કોમ્પ્રીહેન્સન) ધોરણ 3 સુધીના છાત્રો માટે પાયાની સાક્ષરતા અને અંકશાસ્ત્ર પર વિશેષ ભાર મૂકે છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લાના FLN ટાસ્ક ફોર્સ દ્વારા તૈયાર કરાયેલ તાલીમ સામગ્રી તેના મૂળ સ્વરૂપમાં સ્વીકારાઈ છે અને ઑનલાઇન તાલીમ માટે DIKSHA પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. 15 ફેબ્રુઆરી, 2022 સુધી ગુજરાતીના સાક્ષરતા કૌશલ્યના 9,000થી વધુ શિક્ષકો અને ગણિતના સંખ્યાત્મક કૌશલ્યના 11000 શિક્ષકોએ FLNના ઑનલાઇન અભ્યાસક્રમ માટે નોંધણી કરી હતી.