આનંદો@ગુજરાત: ઓખા-બેટ દ્વારકાને જોડતાં સિગ્નેચર બ્રિજનું આ તારીખે PM મોદી કરશે ઉદ્દઘાટન

 
Okha Dwaraka Bridge

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક ઓખાથી બેટ દ્વારકાને જોડતો ‘સિગ્નેચર બ્રિજ’ તૈયાર થઇ ગયો છે. વડાપ્રધાન મોદી ટુંક સમયમાં આ બ્રિજનું ઉદ્દઘાટન કરશે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે આગામી 16થી 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પીએમ મોદી તરભમાં આ કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના છે. આ દરમિયાન દ્વારકાના સિગ્નેચર બ્રિજને પણ લોકો માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે.અરબી સમુદ્ર પર બનેલો આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકશે.

સિગ્નેચર બ્રિજ પર ગીતાના શ્લોકો લખેલા પથ્થરના શિલાલેખો સ્થાપિત કરવામાં આવ્યા છે જેના દ્વારા દ્વારકાની મુલાકાતે આવતા લોકો અને પ્રવાસીઓ ગીતા સાથે ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશો વિશે જાણી શકશે, જેને હિન્દીની સાથે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. સિગ્નેચર બ્રિજના થાંભલાઓ પર મોરના પીંછા કોતરવામાં આવ્યા છે. એટલું જ નહીં દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે પ્રવાસ દરમિયાન પ્રવાસીઓ કૃષ્ણ ભક્તિમાં તરબોળ જોવા મળશે.

શું છે આ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ વિશેષતાઓ ? 

બ્રિજની લંબાઇ 2320 મીટર છે જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.

ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુ થઇ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે.

બ્રિજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.

વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવ્યા છે.

બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.

આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે.

ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી 1 મેગાવોટ વિજળી નું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટીંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.

બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.

બ્રિજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.