કાર્યવાહી@અમરેલી: પોલીસે ડુપ્લીકેટ ઘીની ફેકટરી ઝડપી પાડી, નકલી ઘી-વનસ્પતિ તેલ સહિતની મશીનરી જપ્ત
અટલ સમાચાર, ડેસ્ક
અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં એક ફેકટરી પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસને બાતમી મળી હતી કે અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ધમ ધમી રહી છે, આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને નકલી ઘી બનાવવાની ફેકટરીને ઝડપી પાડી હતી. નકલી ઘીની ફેક્ટરી ઝડપાડાતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ હતી
નકલી ધીનો જથ્થો, વનસ્પતિ તેલ, નાના મોટા ડબ્બા, બેરલ, મશીનરી સહિત 30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજુલાનો શખ્સ મિનરલ વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવીને નફો રળતો હતો, પોલીસે આ શખ્સને દબોચીને તમામ વસ્તુઓ જપ્ત કરીને આગળની કાર્યવાહી કરી છે. મધરાત્રો પોલીસે દરોડા પાડ્યા હતા. બીજી તરફ એ પણ સવાલ સામે આવ્યો છે કે કોની રહેમનજર હેઠળ આ કારોબાર ચાલતો હતો. ભેળસેળ માટે આ ભેજાબાજ શખ્સે સંખ્યાબંધ ડબ્બાઓ પણ રાખ્યા હતા, આ ડબ્બા શેના છે તે FSLનો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે, પોલીસે જપ્ત કરાયેલી તમામ વસ્તુઓના સેમ્પલ પણ મોકલી દીધા છે. આ પહેલા પણ રાજ્યમાંથી નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી.