ચિંતા@ગુજરાત: બટાકાના ખેડૂતોની માઠી બેઠી, પોષણક્ષમ ભાવ ના મળતા હાલત કફોડી

 
Bataka

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગર જિલ્લામાં બટાકાનું હબ ગણાતા દહેગામના ખેડૂતોના હાલત કફોડી બની ગઈ છે. બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો વિમાસણમાં મૂકાયા છે. પાછલા વર્ષે જે બટાકાનો ભાવ 200 રૂપિયા હતો તે ચાલુ વર્ષે 100 થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. પંજાબ અને ઉત્તરપ્રદેશમાં બટાકાનું ઉત્પાદન વધવાના કારણે આ વિષમ પરિસ્થિતિ સર્જાઈ છે. બટાકામાં રોગચાળાના કારણે વેપારીઓ ખરીદવાનું ટાળી રહ્યા છે. બનાસકાંઠા સહિતના જિલ્લામાં ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવ ના મળતા નારાજગી પ્રવર્તિ રહી છે. 

ગાંધીનગર જિલ્લામાં બટાટાના વિક્રમી વાવેતર પછી હવે બટાટાના ભાવના મળતાં ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ખેડૂતોના ઉત્પાદનમાં વેપારીઓ પણ રસ દાખવતા ના હોવાથી ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મૂકાયા છે. જિલ્લામાં આ વર્ષે 15 હજાર હેક્ટર કરતાં વધુ વિસ્તારમાં વાવેતર નોંધાયુ હતુ. 

ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકો બટાકાના હબ તરીકે જાણીતો છે. ચાલુ વર્ષે હાલ બટાકાનો પાક લેવાની સિઝન ચાલી રહી છે, પરંતુ ગગડેલા ભાવના કારણે ખેડૂતોને આંખે પાણી આવી રહ્યા છે. એલઆર, પોખરાજ અને બાદશાહ જેવા બટાકાનું ખેડૂતો વાવેતર કરે છે અને તેમાં ચાલુ વર્ષે પોખરાજના ભાવ તળિયે પહોંચ્યા છે. બટાકામાં ડાઘ ને લીધે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, બટાકાની ક્વોલિટી સારી મળતી નથી જેના કારણે વેપારીઓ પણ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ 70 ટકા પોખરાજ અને 30 ટકા અન્ય એલઆર અને બાદશાહ બટાકાનું વાવેતર કરવામાં આવે છે. વેફર બનાવતી કંપનીઓએ અગાઉ સોદા કર્યા હોવાથી એલઆર અને બાદશાહના ભાવ મળી રહ્યા છે. જેમાં એલઆરનો ભાવ રૂપિયા 230 તો બાદશાહનો ભાવ રૂપિયા 170 મળી રહ્યો છે. પોખરાજના સોદા થતા ના હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

વેપારીઓ અને કિસાન સંઘે શું કહ્યું?

આ મામલે વેપારીઓએ જણાવ્યુ છે કે, ઉત્તરપ્રદેશ અને પંજાબના બટાકાની ક્વોલિટી આપણાં કરતા સારી હોય છે. ઉત્તરપ્રદેશમાં બટાકાનો મબલખ પાક થયો છે, જેના કારણે ગુજરાતના ખેડૂતોને ભાવમાં ફટકો પડી રહ્યો છે.

કિસાન સંઘે શું કહ્યું ? 

આ મુદ્દે ચૌધરી કિસાન સંઘના પ્રવક્તા ગાભુભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, બટાકાના ભાવની સ્થિતિ અત્યંત ખરાબ છે. બે વર્ષમાં ખેડૂતોને જે કંઈ મળ્યું હતું તે ચાલુ વર્ષે ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે સરકાર સબસિડી આપી ખેડૂતોને રાહત આપે તો ખેડૂતો મુશ્કેલીમાંથી ઉગરી શકે છે. ડુંગળી ઉપરાંત બટાકાનું વાવેતર કરનારા ખેડૂતોના માથે મોટી મુશ્કેલી ઉભી થઈ છે, કારણે આ બન્ને પાકના ભાવ મળતાં નથી. કોલ્ડ સ્ટોરેજોને સરકાર સબસિડી આપે છે તેમ છતાં પણ તેના માલિકો દ્વારા ભાડાં વધારવામાં આવી રહ્યા છે. સરકાર ભાડામાં રાહત આપે તેવું પણ કરવુ જોઈએ નહીતર ચાલુ વર્ષે ખેડૂતોની હાલત કપરી બનવાની છે.