નિર્ણય@ગુજરાત: TAT Examમાં સૌથી મોટો ફેરફાર, હાઈસ્કૂલના શિક્ષક માટે પ્રિલિમ્સ-મેઈન્સ પરીક્ષા

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલના શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) દ્વિસ્તરીય સ્વરૂપમાં લેવા અંગેનો સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેથી હવે ઉમેદવારોએ પ્રથમ પ્રિલિમ પરીક્ષા અને ત્યારબાદ તેના મેરિટના આધારે મેઈન્સ પરિક્ષા લેવામાં આવશે. આગામી ભરતી માટે આ પદ્ધિતના આધારે પર પરિક્ષા લેવામાં આવશે.
શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ આ પરિક્ષા આગામી મે મહિનાના અંતમાં અથવા તો જુન મહિનાના પ્રથમ સપ્તાહમાં લેવામાં આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2012થી ધોરણ.9થી 12ના શિક્ષક માટે ટિચર એપ્ટિટ્યૂટ ટેસ્ટ- TAT લેવામાં આવે છે. અત્યાર સુધી 200 માર્કસની આ પરીક્ષા MCQ પ્રકારે લેવામાં આવતી હતી. જો કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને વ્યાવસાયિક શિક્ષકોની ભરતી કરી શકાય તે માટે ટિચર એપ્ટિટ્યૂટ ટેસ્ટ- TATમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
શું કહ્યું રાજ્ય સરકારે ?
સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, હવેથી આ પરીક્ષા વર્ગ-1 અને 2ની જેમ પ્રથમ પ્રિલિમિનરી અને બાદમાં વર્ણાત્મક પ્રકારે લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ 200 માર્કસની પરિક્ષા MCQ આધારિત હશે. જેમાં 100 ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેદવારો માટે સરખો હશે અને 100 ગુણનો બીજો ભાગ ઉમેદવારે પસંદ કરેલા વિષય આધારિત હશે. એક ખોટા જવાબના 0.25 માર્કસ કાપવામાં આવશે. પ્રિલિમ પરીક્ષાના કટઓફના આધારે ઉમેદવારો મેઈન્સ પરિક્ષા આપી શકશે.
મેઈન્સ પરિક્ષામાં 100-100 માર્કસના 2 પેપર
આ સાથે હવે મેઈન્સ પરિક્ષામાં 100-100 માર્કસના 2 પેપર હશે. જેમા એક પેપર માધ્યમ મુજબનું જ્યારે બીજુ વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું હશે. આ પરિક્ષા ધોરણ. 9-10 (TAT-માધ્યમિક) તેમજ ધોરણ. 11-12 (TAT-ઉચ્ચતર) માટે લેવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારો બંને પરીક્ષા આપી શકશે. શિક્ષણ વિભાગના આ ઠરાવના કારણે અગાઉ થયેલા ટિચર એપ્ટિટ્યૂટ ટેસ્ટ- TAT અંગેના ઠરાવો આપોઆપ રદ થઈ જશે.