કવાયત@રાજકોટ: વિરોધ વચ્ચે બાગેશ્વર બાબાના કાર્યક્રમની તૈયારી, જાણો શું છે આયોજન ?

 
Bageshwar Baba

અટલ સમાચાર, ડેસ્ક

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે ત્યારે તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. હાલ આયોજકો દ્વારા 32 સમિતિ બનાવવામાં આવી છે. એક સમિતિમાં 10થી વધુ સભ્યો છે. આ કાર્યક્રમમાં 600થી વધુ કાર્યકરો સેવામાં રહેશે. જ્યારે 75 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની સંભાવના છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા ક્યાં રોકાવવાના છે? એ સ્થળ હજુ નક્કી થયું નથી. આ સાથે જ આયોજકોએ જણાવ્યું હતું કે, અલગ-અલગ સમાજના લોકો પણ સ્વયંભૂ આવશે. અસંતુષ્ટ લોકો બાબાની લોકપ્રિયતાને લઈને વિઘ્ન નાખવા તત્પર હોય છે. તમામ હિન્દુ સંગઠન અમારી સાથે છે. વીએચપી, કરણી સેના, હિન્દુ જાગરણ મંચ સહિતની સંસ્થાઓ અમારી સાથે છે. પોલીસ પણ મદદ માટે તૈયાર છે. સરકારી તંત્ર તરફથી મદદ મળી રહી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સેવા સમિતિ દ્વારા સનાતન ધર્મ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રેસકોર્સ મેદાન ખાતે સમિતિ દ્વારા વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. હાલ સરકારી મંજૂરી લેવાની કામગીરી પૂર્ણતાના આરે છે. પાર્કિંગ માટે ખાસ કમિટી રાખવામાં આવી છે, જે પાર્કિંગનું સંચાલન કરશે. રાજકોટમાં યોજાનારી સભા સાંજના સમયે યોજાશે. આ સભા ખુલ્લા મેદાનમાં યોજાશે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં આ સભામાં ઉમટી પડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ત્યારે લોકોની બહોળી સંખ્યાને લઈને કાર્યકરો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ રેસકોર્સના મેદાનમાં કરવામાં આવી છે. બાબાના આ દરબારની કરણી સેનાના કાર્યકરો દ્વારા સુરક્ષા કરવામાં આવશે.