કાર્યક્રમ@અમદાવાદ: બાગેશ્વર બાબાના કાર્યક્રમને લઇને તૈયારીઓ શરૂ, જાણો કેવી છે વ્યવસ્થા ?

 
Baba Bageshwar

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધામ સરકારના દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચાણક્યપુરી વિસ્તારમાં 130 બાય 130નો વિશાળ મંડપ લગાવાઈ રહ્યો છે. આ જર્મન ટેકનોલોજીના મંડપમાં વીવીઆઈપી અને આમંત્રિતો બેસશે. આ તરફ અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટની ઊંચાઈ અને ત્રણ ફૂટની પહોળાઈ ધરાવતું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવી રહ્યું છે. બાબાના દિવ્ય દરબાર સમયે 2 હજારથી વધુ સ્વયંસેવક સેવા આપશે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક નિયમનની પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં વ્યવસ્થાની વાત કરીએ તો ચાણક્યપુરીમાં સેક્ટર 6ના મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સમયે જર્મન ટેકનોલોજીવાળો મંડપ ઊભો કરાશે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની શક્યતાને ધ્યાને રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ બંદોબસ્ત સાથે 500 બાઉન્સર પણ ખડેપગે રહેશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન કોઇ અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે VIP મહેમાનોને અલગથી એન્ટ્રી અપાશે. જે.જે. હોસ્પિટલ તરફથી VIP મહેમાનોને એન્ટ્રી મળશે. એટલું જ નહીં આસપાસના ચાર પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે. તો દર્શનાર્થી માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાપીઠમાં દર્શનાર્થીઓ રોકાઈ શકે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.