રિપોર્ટ@ગુજરાત: PM મોદી આ તારીખે આવશે અમદાવાદ, 1500 કરોડના વિકાસના કામોની આપશે ભેટ

 
Pm Modi Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. વડાપ્રધાનના અમદાવાદ, ગાંધીનગર અને સુરત ખાતે ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગર ખાતે રાષ્ટ્રિય શિક્ષક અધિવેશનનું ઉદ્ઘાટન વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં 1500 કરોડના વિકાસ કામોનું ખાતમુહુરર્ત વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ ખાતે વડાપ્રધાન વાડજ, નરોડા અને સત્તાધાર જંકશનના ફ્લાય ઓવરનું ખાતમૂહૂર્ત વડાપ્રધાન કરશે. લાલ બહાદુરશાસ્ત્રી સ્ટેડિયમ પાસે 78.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા 30 એમએલડી એસટીપી પ્લાન્ટનું લોકોર્પણ વડાપ્રધાન કરશે, ગોતા વાર્ડમાં 28.64 કરોડમાં તૈયાર થનાર નવુ વોટર ડીસ્ટ્રીબ્યુશન સેન્ટરનું ખાતમુહુર્ત, અમરાઇવાડી વોર્ડમાં 28.17 કરોડના ખર્ચે તૈયાર થનાર ડબ્લ્યુડીએસ ખાતમુહુર્ત, 184.47 કરોડના ખર્ચે તૈયાર થનાર એક્સપ્રેસ હાઇવેથી ઓડકમોડ સુધીની પાઇપલાઇનનું ખાતમુહુરર્ત, આંબાવાડી વિસ્તારમાં 63.58 કરોડના ખર્ચે તૈયાર થનાર આવસના પુર્નવસનનું ખાતમુહુર્ત કરશે. 

આ સાથે PM મોદી 267.67 કરોડના ખર્ચે તૈયાર થનાર ગેલેક્સી સિનેમાથી નરોડા પાટીયા સુધીનો ફોરલેન ફ્લાયઓવરનું ખાતમુહુર્ત, 127.92 કરોડના ખર્ચે વાડજ જંકશન પર ફોરલેન ફ્લાયઓવર ખાતમુહુર્ત, 103.63 કરોડના ખર્ચે સત્તાધાર જંકશન પર ફ્લાયઓવર, 641.02 કરોડના ટીપી રોડના રીસરફેસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં અગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નરોડા, વાડજ અને સત્તાધાર ખાતે 500 કરોડના અંદાજીત ખર્ચે ફ્લાય ઓવર તૈયાર કરવામાં આવશે. ગેલેક્ષી સિનેમા ખાતે બની રહેલા ફ્લાય ઓવરની લંબાઇ 2 કિ.મી હશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાગરિકોને નર્મદાના પાણીનો લાભ મળે તે માટે 184 કરોડના ખર્ચે પાણીનું નેટવર્ક ઉભુ કરવામાં આવશે. રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પામીનું સપ્લાય કરવામાં આવશે. અમરાઇવાડી મહેનતપુરાના છાપરા ખાતે પાકા મકાન તૈયાર કરવામાં આવશે. આ સ્થળે વસવાટ કરતાં આશરે 658 પરિવારને પાકા મકાનનો લાભ મળશે.