ધાર્મિક@પાટણ: ગર્ગવંશીય ગુરુબ્રાહ્મણ સમાજના જનોઈગુરુ મહર્ષિ સ્વામી તેજાનંદજીની પુણ્યતિથિએ શોભાયાત્રા

 
Patan

અટલ સમાચાર, ડેસ્ક

પાટણ શહેરમાં 13 ઓક્ટોબરે ગર્ગ વંશીય ગુરુબ્રાહ્મણ સમાજના જનોઈ ગુરુ મહર્ષિ સ્વામી તેજાનંદજીની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લામાં પ્રથમવાર કરવામાં આવેલ આ આયોજનમાં મોટી સંખ્યામાં સમાજબંધુની સાથે અન્ય સમાજના લોકોએ ઉપસ્થિત રહી સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાટણ શહેરના લીલીવાડી વિસ્તારથી બગવાડા દરવાજા સુધી આશોભાયાત્રા યોજાઇ હતી. 

ગુજરાતના ગર્ગ વંશીય ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રાત: સ્મરણીય મહર્ષિ સ્વામી તેજાનંદજીની પુણ્યતિથિએ મહર્ષિ સ્વામી તેજાનંદની શોભાયાત્રાનું આયોજન મહર્ષિ તેજાનંદ સ્વામી યુવા ફાઉન્ડેશન અને સમસ્ત ગુરુ બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મહર્ષિ તેજાનંદ સ્વામી યુવા ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ શ્રીમાળી સહિત રાહુલ મહારાજ, હરેશભાઈ કરલીયા, પ્રિયકાન્ત શ્રીમાળી,જગદીશભાઈ શ્રીમાળી, કીર્તિભાઈ, બાબુલાલ શ્રીમાળી, પ્રભુદાસ શ્રીમાળી, મૂળચંદભાઈ શ્રીમાળી, વિનોદભાઈ શ્રીમાળી, મનસુખભાઈ શ્રીમાળી, હર્ષદભાઈ, કમલેશભાઈ, મનસુખલાલ સહિતના આગેવાનો જોડાયા હતા. આ સાથે ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજના રાજ્યકક્ષાના પ્રમુખ જે.વી.શ્રીમાળી, સામાજિક આગેવાન વિઠ્ઠલરાય શ્રીમાળી, વિનોદભાઈ કરલિયા, ખેમભાઈ શ્રીમાળી, વિનોદભાઈ શ્રીમાળી સહિતના અનેક નામી-અનામી આગેવાનોએ સ્વામીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 

 

સમગ્ર ગુરૂ બ્રાહ્મણ સમાજના જનોઈ (યજ્ઞોપવિત) ગુરૂ ગર્ગવંશીય પ.પૂ.મહર્ષિ તેજાનંદ સ્વામીજીની 563મી પુણ્યતિથિ ભાદરવા વદ ચૌદશ શુક્રવારના દિવસે સમાજના લોકો દ્વારા તેમણે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુરુ બ્રાહ્મણ સમાજ સતત સનાતન ધર્મને ફેલાવવા અને લોકોમાં હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યો છે. આ તરફ શુક્રવારના દિવસે જનોઈગુરુ મહર્ષિ સ્વામી તેજાનંદજીની પુણ્યતિથિએ પાટણ શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સામાજિક આગેવાન હરેશભાઈ કરલીયાએ જણાવ્યું હતું કે, અમારા ગર્ગાચાર્ય વંશજ એવા સ્વામી તેજાનંદજીની 563મી પુણ્યતિથિ નિમિત્તે અમારા ગુજરાતના ગર્ગ વંશીય ગુરુ બ્રાહ્મણ સમાજના આગેવાનો અને વડીલો-યુવાનો અને ખાસ કરી પાટણના સમાજબંધુ અને પાટણવાડાના ચારેય પરગણાના બંધુએ મળી વિચાર કર્યો કે, આપણે આવી શોભાયાત્રા નિકાળી આપણા સંત શિરોમણી સ્વામી તેજાનંદજીને શ્રદ્ધાંજલિ અપર્ણ કરીએ. અમારા સ્વામી તેજાનંદે ઘણા પરચાં પણ પૂર્યા હતા. તેઓએ સિધ્ધપુરમાં પોતાની છાતી ચીરી જનોઈ બતાવી અને અમને જાહેરમાં જનોઈ પહેરવાનો અધિકાર આપેલ. જે સંદર્ભે આજે સમાજબંધુઓ સાથે પાટણ લીલીવાડીથી બગવાડા દરવાજા સુધી યોજાયેલ આ શોભાયાત્રામાં નામી-અનામી આગેવાનો જોડાયા હતા. આ સાથે ગુજરાત ગુરુબ્રાહ્મણ સમાજના રાજ્યકક્ષા પ્રમુક જે.વી.શ્રીમાળી સહિતના આગેવાનોએ સ્વામીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, હવે દર વર્ષે પણ આ રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે તેવું આયોજન કરવાની વિચારણા છે.