રાજનીતિ@સાબરકાંઠા: સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, આ તારીખે મતદાન, જાણો સંપૂર્ણ વિગત
અટલ સમાચાર, ડેસ્ક
સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મોડી રાત્રીએ ચૂંટણી અધિકારીએ સાબર ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આગામી 10 માર્ચે મતદાન કરવામાં આવનાર છે અને એ જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મોડી રાત્રે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ રાજ્યના સહકારી રાજકારણમાં ગરમાવો વ્યાપી ચૂક્યો છે. ચૂંટણી અધિકારી તરીકે હિંમતનગર પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી નિમણૂંક કરવામાં આવ્યા છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થવા સાથે જ મતદાન અને મતગણતરીની તારીખો જાહેર કરવામાં આવી છે.
12 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર સ્વિકારવામાં આવશે. 23 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણી કરશે. જે હિંમતનગર પ્રાંત અધિકારીની કચેરીએ જ સવારે 11 કલાકથી શરુ કરવામાં આવશે. 26 ફેબ્રુઆરીએ માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની આખરી તારીખ 29 ફેબ્રુઆરી છે. બપોરે ત્રણ કલાકે કેટલા ઉમદવારો મેદાને છે અને કોણ બીન હરીફ થઇ શક્યુ એ સ્પષ્ટ થઇ જશે. હરીફ ઉમેદવારોની યાદી 1 માર્ચે જાહેર કરવામાં આવશે. 10 માર્ચે ચૂંટણી યોજાશે અને સાબરડેરીના હોલમાં જ મતગણતરી હાથ ધરવામાં આવશે.
આ તરફ ચૂંટણી જાહેર થવા પહેલાથી જ મેન્ડેટ માટે નામને લઈ રજૂઆતોના પ્રયાસો શરુ થઇ ગયા હતા. હવે મેન્ડેટ મેળવવા માટે સહકારી આગેવાનો વચ્ચે સ્પર્ધા તેજ બની જશે. આ માટે હવે રાજકીય આગેવાનો દ્વારા મેન્ડેટ અંગે રજૂઆતો કરાવવાનો પ્રયાસ હવે વધુ તેજ બનશે. સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં મેન્ડેટ દ્વારા કેટલાક પીઢ નેતાઓને બહારનો રસ્તો બતાવી બેંકનું સંચાલન સ્વચ્છ બનાવવા માટે પ્રયાસ કરાયો હતો. હવે સાબરડેરીમાં પણ પશુપાલકો અને ખેડૂત હિત ઇચ્છનારાઓને મેન્ડેટ મળી શકે છે, એવો પ્રયાસ કરાઈ શકે છે.