રીપોર્ટ@નર્મદા: તમારા તાબાના કર્મચારીઓને ફોનમાં સરકારી સુચના આપતાં સાચવજો, કલ્પના બહારની ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વહીવટી પ્રક્રિયામાં થયેલું એક રીપોર્ટીંગ સામે આવતાં ચારેકોર ખળભળાટ મચી ગયો છે. જિલ્લાના કરાર આધારિત કર્મચારીએ યોજના બાબતની જરૂરી સુધારા પોતાનાં તાબા હેઠળના કર્મચારીઓને આપ્યા બાદ જે હાલત થઈ તે ચોંકાવનારી છે. જિલ્લાના અધિકારીએ મનરેગા બાબતની સુચના આપ્યા બાદ તાબા હેઠળના કર્મચારીઓએ બચાવ કરવા ફોનની વાતચીતનો આધાર લીધો. આ ખુલાસા આધારે ટીડીઓ ઉપેન્દ્રભાઇએ પણ નિયામકને કહ્યું કે, જિલ્લાના કરાર આધારિત કર્મચારી અમારા તાલુકામાં એજન્સીને પેમેન્ટની સૂચના ફોનમાં આપતાં હતા. એટલે અમારા કર્મચારીઓએ પેમેન્ટની કામગીરી આગળ વધારી. હવે ટીડીઓના આવા રીપોર્ટીંગથી શું હવે તાબા હેઠળના કર્મચારીઓને ફોનમાં સરકારી સુચના આપતાં ચેતી જવાનું ? હવે આની અસર શું ત્યાં નહિ થાય કે, જ્યાં તાત્કાલિક ટેલિફોનીક સુચના આપી કામ પૂર્ણ કરાવવાનું હોય? જાણીએ સમગ્ર અહેવાલ.
વનબંધુઓના સાગબારા તાલુકામાં એક એવી ઘટના સામે આવી છે કે, તેનાથી હવે કોઈ કર્મચારી કે અધિકારીએ પોતાના તાબા હેઠળના કર્મચારીઓને ફોનમાં સરકારી કામની સુચના આપતાં પહેલાં ચેતી જવું પડે તેવી નોબત ઊભી થઈ છે. સાગબારા તાલુકામાં મનરેગાની એક કામગીરી થઇ હતી અને તેનું પેમેન્ટ કોન્ટ્રાક્ટરને કરવા બાબતની પ્રક્રિયા ચાલતી હતી. આ દરમ્યાન નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે સાગબારા તાલુકાના મનરેગાના કરાર આધારિત કર્મચારીઓને ફોનમાં સુચના આપી કે, સદર કામગીરી બાબતે પેમેન્ટ કરવા સહિતની જરૂરી કામગીરી પૂર્ણ કરો તો ઓનલાઇન કામ પૂર્ણ દેખાશે. આથી સાગબારા તાલુકાના મનરેગાના કર્મચારીઓએ સુચના પાળી.
હવે આ કામની તપાસ સાગબારા ટીડીઓ ઉપેન્દ્રભાઇએ કરી અને તેમનાં તાલુકાના મનરેગાના કર્મચારીઓને નોટીસ ફટકારી. આ નોટીસ સામે કર્મચારીઓએ કહ્યું કે, અમને જિલ્લાવાળા સાહેબ ફોન કરતાં હતાં, એટલે પેમેન્ટ કરવા બાબતની પ્રક્રિયા કરી. આવો વાહિયાત અને લૂલો બચાવનો ટીડીઓએ આધાર લઈને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને રીપોર્ટીંગ કર્યું કે, જિલ્લામાંથી ફોન આવતો હતો એટલે એ ડીડીપીસી સામે કાર્યવાહી કરો. હવે આ ટીડીઓ સાગબારાના રીપોર્ટીંગથી ગુજરાતનાં પંચાયતી અને વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે કે, શું ફોનમાં સરકારી સુચના પણ નહિ આપવાની? ફોનમાં સરકારી સુચના આપ્યાં પછી સરકારનાં હિતમાં કામ કરવાની જવાબદારી તો તાલુકાના મનરેગાના કર્મચારીઓની છે જ.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કદાચ સમગ્ર ગુજરાતમાં એવી આ પ્રથમ ઘટના હશે કે, ફોનમાં સરકારી સુચના આપ્યાં બાદ જવાબદારી ફિક્સ કરવા બાબતનો અભિપ્રાય આપી દેવાય. ટીડીઓના આવા રીપોર્ટીંગથી નર્મદા ડીડીપીસીની હાલત ચોંકાવનારી બની ગઈ છે અને સન્નાટો પણ મચી ગયો છે. આ ઘટનાથી શું નર્મદા જિલ્લામાં કોઈ કર્મચારી પોતાનાં તાબા હેઠળના કર્મચારીઓને ફોનમાં સરકારી સુચના આપતાં પહેલાં 100 વાર વિચાર કરે તેવું ઉભું થયું છે. આ બાબત પ્રામાણિક અને પારદર્શક નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પન્નુને ધ્યાનમાં આવતાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે.