ખળભળાટ@સુરત: જાણવા જોગ તપાસમાં પીએસઆઇ ભરવાડે માંગ્યા 10 લાખ, એસીબીએ છટકું ગોઠવી પકડ્યાં

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના PSI 10 લાખની લાંચ લેતા ઝડપાતા પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ સુરતના ઉતરાણ પોલીસ મથકમાં એક અરજી સંદર્ભે ફરિયાદીને બીજા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અને તેમાંથી બચવા માટે 10 લાખની લાંચની માંગ કરી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ACBની ટ્રેપ દરમિયાન PSI વતી લાંચ લેતા અન્ય એક ઈસમ ઝડપાઇ ગયો હતો. જે બાદમાં ACBએ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સુરત શહેરના ઉતરાણ પોલીસ મથકમાં કરવાંમાં આવેલ જાણવા જોગ અરજીના નિકાલ અર્થે ફરિયાદીને પોલીસ મથકે બોલાવી PSI ડી.કે.ચોસલા (દીલીપ ભરવાડ) દ્વારા દાખલ થયેલ જાણવાજોગના નિકાલ અર્થે ફરીયાદીનું નિવેદન લઇ આ તપાસ તેમજ બીજા કોઇ ગુના દાખલ થવામાંથી બચવુ હોય તો 10 લાખ રૂપિયામાં પતાવટ કરવા કહ્યું હતું. જોકે ઉ તરાણ પોલીસ સ્ટેશનના PSI ડી.કે.ચોસલાએ માંગેલ રૂ. 10 લાખની લાંચ ફરિયાદી આપવા ન માંગતા હોય તેમણે ACBનો સંપર્ક કરી ફરિયાદ કરતા આજરોજ ACB એ છટકુ ગોઠવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પીએસઆઇએ ફરિયાદીને લાંચની રકમ લઇ ભાગ્યોદય હોટલની સામે સર્વીસ રોડ ઉપર કીમ ચોકડી અને કામરેજ ટોલટેક્ષની વચ્ચે બોલાવ્યા હતા. જયાં લાંચની રકમ પીએસઆઇ વતી લેવા આવેલ નીલેશ ભરવાડને શંકા જતા તે ભાગી ગયો હતો, જયારે પીયુષ બાલાભાઇ રોય લાંચની રકમ સ્વીકારતા ACBના છટકામાં રંગે હાથે ઝડપાઇ ગયો હતો જેથી ACBને PSI વતી લાંચ લેતા એક ઈસમને ઝડપી કુલ ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.