કાર્યવાહી@ગુજરાત: પંજાબ પોલીસની ચાંગોદરમાં રેડ, ફાર્મા કંપનીમાંથી 14 લાખ નશાની ટેબ્લેટ સાથે 2ની ધરપકડ

 
Punjab Police Ahmedabad Raid

અટલ સમાચાર, ડેસ્ક

પંજાબ પોલીસની ટીમે ડ્રગ્સના મોટા કન્સાઈન્મેન્ટ ઝડપી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઓપરેશન કર્યું હતું. ચાંગોદરામાં આવેલી ગ્લોસ ફાર્માના સંચાલકો ઉત્તરપ્રદેશના હાપાથી પંજાબમાં નશાકારક ટેબ્લેટો સપ્લાય કરીને આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલ ચલાવતા હતા. આ મામલો પંજાબ પોલીસના ધ્યાન પર આવતા તેઓ ડ્રગ્સ કેસના મૂળમાં જઈને ગુજરાતના ચાંગોદરમાં ફેક્ટરી ધરાવતા આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચ્યા હતા. પંજાબ પોલીસે કંપનીમાં રેડ કરીને 14, 72, 220 નશાકારક ટેબ્લેટનો જથ્થો ઝડપી મહિલા સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે.

પંજાબ પોલીસે અમૃતસરમાંથી 14 હજાર નશાકારક ટ્રામાડોલ ટેબ્લેટ સાથે પ્રિન્સકુમારની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા પંજાબની જેલમાં રહેલા મેજરસિંગનું નામ ખુલ્યું હતું. મેજરસિંગ જેલમાંથી મોબાઈલ ફોન દ્વારા ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પંજાબ પોલીસે મેજરસિંગની ધરપકડ કરી અન્ય આરોપીઓ બલજીન્દરસિંગ, આકાશસિંગ, સુરજીતસિંગ, ગુરુપ્રીતસિંગ, તરન તારન અને મોહરસિંગની ધરપકડ કરી હતી. મેજર અને ગુરપ્રીતની તપાસમાં ઉત્તરપ્રદેશના હાપુર જિલ્લામાં આવેલી એલીકેમ ફાર્માના માલિક અને મૂળ મથુરાના સચીનકુમારના નામનો ઘટસ્ફોટ થયો હતો. સચીનની ધરપકડ બાદ તેણે મનસાની જેલમાં રહેલા યોગેશકુમારના નામનો ખુલાસો કર્યો હતો.

આ તરફ યોગેશ અને સચીનની પૂછપરછમાં ખુલાસો થયો કે, તેઓ નશાકારક ટેબલેટ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ચાંગોદર ખાતે આવેલી ગ્લોસ ફાર્મા કંપનીના સંચાલકો રેખા અને મનીષ પાસેથી નશાકારક ટેબ્લેટનો જથ્થો મંગાવતા હતા. આ બંને સાથે યોગેશ અને સચીનની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. આ રીતે તેઓએ ભેગા મળીને આંતરાજ્ય ડ્રગ્સ કાર્ટેલ બનાવીને ઉત્તરપ્રદેશથી પંજાબમાં નશાકારક ટબ્લેટો ઘુસાડવાનું રેકેટ શરૂ કર્યું હતું. ગુજરાતથી ગ્લોસ ફાર્મા દ્વારા મોકલવામાં આવતી ટેબ્લેટો સચીન અને યોગેશકુમાર બોગસ ડોક્યુમેન્ટ આધારે ઉભી કરેલી એલીકેમ ફાર્માના નામે આગા ખાતે આકાશને મોકલતા હતા.

આકાશ આ નશીલી દવાઓની ટેબ્લેટો અમૃતસર ખાતે મોકલી આપતો હતો. આ બાતમી આધારે પંજાબ પોલીસે ગુજરાત એટીએસની ટીમને સાથે રાખીને ચાંગોદરમાં આવેલી ગ્લોસ ફાર્મા કંપનીમાં રેડ કરી 14,72,220 નંગ ટેબ્લેટો જપ્ત કરી કંપનીના બંને સંચાલકોની ધરપકડ કરી હતી. પંજાબ પોલીસે કરેલા આ ઓપરેશનથી ગુજરાત પોલીસના અનેક ઉચ્ચ અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો ઘાટ થયો હતો.