ખળભળાટ@ભરતી: શિક્ષણ અધિકારીની ક્લાસ 2 ની ભરતીમાં ટ્યુશનવાળાના 75% પ્રશ્નો પુછાયા, સ્પેશિયલ રિપોર્ટ

 
Gpsc

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ગુજરાત જાહેર સેવા આયોગની એક ભરતીમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તમે કલ્પના પણ ના કરી શકો કે, શિક્ષણ અધિકારીની આ ભરતીમાં જે તે વખતે આખા ગુજરાતમાં ચાલતાં ટ્યુશન ક્લાસીસમાંથી એક ટ્યુશનવાળાના 75 ટકાથી વધુ પ્રશ્નો પૂછાયા હતા. આટલું જ નહિ, આ ટ્યુશનવાળા ભાઇની હોશિયારી જુઓ કે, તેના ત્યાં ટ્યુશન લીધેલાં મોટાભાગના વિદ્યાર્થીઓ આ પરિક્ષામાં પાસ થયા છે. પાસ થયેલાનો આંકડો જાણશો તો પણ તમને શંકાસ્પદ લાગશે કે આવું બની શકે. કુલ 141 શિક્ષણ અધિકારીની ભરતી હતી તેમાં આ એક જ ટ્યુશનવાળાના 45 ટકાથી વધુ વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે. હજુ આગળ વાંચો કે, પાસ તો આટલા બધા થયા પરંતુ વેઈટિગ વાળાની યાદીમાં પણ અનેક વિદ્યાર્થીઓ આ ટ્યુશનવાળાના છે. વાંચો જીપીએસસીની ક્લાસ 2ની પારદર્શક ભરતીનો આ સ્પેશિયલ રિપોર્ટ.....

Gpsc

ગુજરાત જાહેર સેવા આયોગે ભરતી ક્રમાંક 125/2019-20 મારફતે ગુજરાત શિક્ષણ સેવા (વહીવટ) માટે કુલ 141 શિક્ષણ ખાતાના અધિકારીની પરીક્ષા આયોજિત કરી હતી. આ ભરતી પરિક્ષા બહાર પડી એ દરમિયાન ગાંધીનગર સહિત રાજ્યભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતાં અનેક ખાનગી ક્લાસિક ચાલતાં હતા અને હાલમાં પણ ચાલુ છે. જેમાં ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતાં જ્ઞાનલાઈવ ટ્યુશનવાળા પણ અનેક વિદ્યાર્થીઓને આ ભરતી પરિક્ષાની તૈયારી કરાવતાં હતા. હવે તમે જાણીને ચોંકી જશો કે, શિક્ષણ વિભાગના ક્લાસ 2 અધિકારીની આ પરિક્ષામાં કુલ પ્રશ્નોમાંથી જ્ઞાનલાઈવ ટ્યુશનવાળા સરેરાશ 75 ટકા પ્રશ્નો પૂછાયા હતા. આ 75 ટકામાં કેટલાક સીધા જ તો કેટલાક આડકતરી રીતે હતા પરંતુ પ્રશ્નનો ભાવાર્થ અને જવાબ સમાન આવતાં હતા. હવે આટલું મળતું આવે તો પાસ પણ ઢગલાબંધ થાય અને થયું પણ એવું જ.

Gpsc

ગાંધીનગરની જ્ઞાનલાઈવ ટ્યુશન ક્લાસીસમાં તૈયારી કરતાં અનેક વિદ્યાર્થીઓમાંથી 60થી વધુ પાસ થયા છે. હવે જુઓ કુલ ભરતી 141 ની હતી તેમાં એકમાત્ર જ્ઞાનલાઈવ ટ્યુશનવાળાના જ 60થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. પાસ થયેલા 141 ઉમેદવારોને તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સન્માનિત કર્યા હતા. હવે તમે સમજીએ કે, આખા ગુજરાતમાં ઢગલાબંધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી વાળા ક્લાસીસમાં એકલા જ્ઞાનલાઈવના 45 ટકાથી વધારે ઉમેદવારો પાસ થઈ ગયા. આવું બની શકે ❓તે ગંભીર સવાલ છે. હવે આ બાબતે વધુ પ્રકાશ પાડીએ કે, જ્ઞાનલાઈવ સાથે સંકળાયેલા મોટા માથાઓમાં એક ભાઇ તો ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં જ ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરે છે.  

Gpsc

એકલી પરિક્ષા નહોતી, ઈન્ટરવ્યુ પણ હતું: જ્ઞાનલાઈવ વાળા નું જ્ઞાન

એક જ ટ્યુશનવાળાના સરેરાશ 45 ટકા વિદ્યાર્થીઓ પાસ થાય અને પરિક્ષામાં 75ટકા પ્રશ્નો પૂછાય તે ખૂબ જ શંકાસ્પદ અને ચોંકાવનારો સવાલ હોવાથી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા જ્ઞાનલાઈવ સાથે સંકળાયેલા અને ઉચ્ચ હોદ્દા ઉપર નોકરી કરતાં ભાઇને પૂછ્યું કે, આવું કેવી રીતે શક્ય છે તો જણાવ્યું કે, એકલી પરિક્ષા નહોતી, સાથે ઈન્ટરવ્યુ પણ હતું અને અમે તૈયારી સારી રીતે કરાવી હતી.

બીજા રિપોર્ટમાં વધુ ઘટસ્ફોટ શક્ય

જીપીએસસીની ભારેખમ અને પારદર્શક પરિક્ષામાં શું કોઈ એક ટ્યુશનવાળા સાથે આટલી મોટી સંખ્યામાં મળતું આવે અને શિક્ષણ વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર આજેપણ ફરજ બજાવતાં યુટ્યુબ પ્રિય વક્તા ઈન્ટરવ્યુ ઉપર ઢોળીને બચાવ લે છે ❓આ બાબતના અનેક સવાલો બાદ આગામી સમયમાં વધુ ઘટસ્ફોટ શક્ય બને તેમ છે.

અમારે આમાં કોઈ લેવાદેવા હોય નહિ: જીપીએસસી

સમગ્ર મામલે જીપીએસસીના હાલના ચેરમેન અને સેક્રેટરીએ જણાવ્યું હતું કે, પરિક્ષાના પેપર અમે કાઢતા નથી, આ કામ કોન્ફિડેન્સિયલ વાળા કરે છે. અમારે આમાં કોઈ લેવાદેવા હોય જ નહિ.