ચકચાર@રાધનપુર: સરાજાહેર મર્ડર કરી હત્યારાઓ ફરાર, વરરાજા બને તે પહેલાં જ હત્યા, કારણ ચોંકાવનારું

 
Radhanpur

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

રાધનપુર શહેરમાં આજે ચકચારી અને અત્યંત દર્દનાક ઘટના સામે આવતાં ઠાકોર પરિવારને દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આવતીકાલે ઘોડે ચડીને વરરાજા બને તે પહેલાં જ નવયુવાનની હત્યા કરી દેવામાં આવી છે. કાયદાના કોઈ ડર વગર રાધનપુર શહેરના સરાજાહેર સ્થળે લોકોની ભારે અવરજવર છતાં હત્યારાઓ છરી વડે તૂટી પડ્યા હતા. પોતાના જ લગ્નની ખરીદી કરતાં યુવાનને સ્વપ્ને પણ ખબર નહોતી અને હત્યારાઓ અચાનક ઉપરાછાપરી છરી મારવા લાગ્યા હતા. ચાર રસ્તા પરના ઇસ્કોન કોમ્પલેક્ષમા લોકોની હાજરીમાં સ્થળ ઉપર જ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ઘટના એટલી ઝડપી અને અચાનક બની કે, જોતજોતામાં ઠાકોર યુવાનનું પ્રાણ પંખેરી ઉડાવી ખૂની તત્વો નાસી છૂટ્યા હતા. આવો જાણીએ કોણે અને કેમ કરી હશે હત્યાનો ચોંકાવનારી રિપોર્ટ...

Radhanpur

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આજે કલ્પના બહારની હત્યાથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. બહેનને પરણાવી વિદાય આપ્યાના ત્રીજા દિવસે યુવકની જાન જવાની હતી. સમી તાલુકાના અમરાપુર ગામના ઠાકોર વિપુલના લગ્ન આવતીકાલે 7 મે ના રોજ હતા. આથી વિપુલ પોતાના જ લગ્ન માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરવા રાધનપુર પહોંચ્યો હતો. રાધનપુર શહેરના ચાર રસ્તા પાસેના ઇસ્કોન કોમ્પલેક્ષના પરિસરમાં વિપુલ હાજર હોઇ જાણભેદુ હત્યારાઓ પૂર્વ આયોજિત ષડયંત્રના ભાગરૂપે ત્યાં પહોંચ્યાં હતા. આ દરમ્યાન વિપુલ કંઈ સમજે તે પહેલાં જ કેટલાક અજાણ્યા ઈસમો ઉપરાઉપરી છરીના ઘા મારવા લાગ્યા હતા. છરીના એટલા ઘા માર્યા કે વિપુલ ઠાકોરનો લગ્નના ગણતરીના કલાકો પહેલાં પ્રાણ નીકળી ગયો છે. મુસાફરો અને સ્થાનિકો તેમજ વાહનોથી ભરચક વિસ્તારમાં સરાજાહેર મર્ડર થતાં સમગ્ર રાધનપુર શહેરમાં ચકચાર મચી ગઇ છે.

Radhanpur

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપુલ ઠાકોરની ઉંમર 20થી 23 વર્ષ હોઇ શકે અને તેના લગ્ન નૈના નામની યુવતી સાથે આવતીકાલે થવાના હતા. આથી કેટલીક વસ્તુઓ ખરીદવાની બાકી હોવાથી વિપુલ પોતાના ગામ અમરાપુરથી રાધનપુર આવ્યો હતો. જોકે હત્યારાઓ અચાનક રાધનપુરના ઇસ્કોન કોમ્પલેક્ષ ખાતે દોડી આવી વિપુલને પકડી છરી વડે તૂટી પડ્યા હતા. હત્યા બાદ આસપાસથી લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ તરફ રાધનપુર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાણકારોના મતે, વિપુલ ઠાકોરની હત્યા કરનારા તેને ઓળખતાં હોઇ શકે અથવા વિપુલ સાથે એક તરફી ખતરનાક દુશ્મની/નફરત કરતાં હોઇ શકે છે. જોકે રાધનપુર પોલીસ હવે સીસીટીવી અને અન્ય સોર્સ મારફતે તપાસમાં લાગી છે કે, સૌપ્રથમ તો હત્યારાઓ કોણ અને કેટલા હતા?, હત્યા કરવાનું કારણ શું હતુ, કોના કહેવાથી હત્યા કરી ? આ તમામ સવાલોના જવાબ રાધનપુર પોલીસની તપાસ બાદ સામે આવે તેમ છે..