બ્રેકિંગ@ઉ.ગુ: આવતીકાલે પાટણ-બનાસકાંઠા, અરવલ્લી સહિત અહીં વરસાદની આગાહી

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

આજે સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યા છે. અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં વરસાદી માહોલ જામ્યો છે. આવામાં હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ક્યાં-ક્યાં વરસાદ પડશે? કેવી સ્થિતિ સર્જાતા વરસાદ પડી રહ્યો છે? તે અંગે હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. સાથે જ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે કે કેમ, તે અંગે પણ જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી 93.5 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

આવતીકાલે વરસાદની આગાહી અંગે માહિતી આપતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, આ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. તે પછી એટલે કે ત્રીજા દિવસે વરસાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી સિમિત રહેશે. દક્ષિણના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

લાંબા વિરામ બાદ અચાનક વરસાદ પડવાનું કારણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, વરસાદ પડવા પાછળનું કારણ લો પ્રેશર એરિયા છે. સેન્ટ્રલ પાર્ટ ઓફ નોર્થ મધ્યપ્રદેશમાં લો પ્રેશર એરિયા બન્યું હોવાના કારણે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભેજ છે અને વાદળ બંધાયા છે. તેથી વરસાદ થઇ રહ્યો છે. બીજી બાજુ, ભારે વરસાદ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઇ ચેતવણી નથી. હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો અને માછીમારો માટે પણ કોઇ ચેતવણી નથી.