અપડેટ@ગુજરાત: તહેવારો વચ્ચે આજે આ વિસ્તારમાં માવઠાની આગાહી, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હાલ એક જ દિવસમાં ઠંડી, ગરમી અને વાદળછાયું વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસ વરસાદ નહીં વરસે જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઇ શકે છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમની યુ ટ્યુબ ચેનલ પર ગુજરાતના વાતાવરણ અંગે અનુમાન કર્યું છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, હાલ અરબી સમુદ્રમાંથી લો પ્રેશર સક્રિય થયું જે મજબૂત થઇને પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યુ છે. આ લો પ્રેશર સીધું ગુજરાતને હિટ કરતું નથી. આ સિસ્ટમનો ટ્રફ હોય છે તે ગુજરાતનાં કાંઠા સુધી લંબાયો છે. જેના કારણે ગુજરાતમાં હાલ હવામાનની અસ્થિરતા સર્જાઇ છે અને અનેક વિસ્તારોમાં માવઠું થશે.
પરેશ ગોસ્વામીએ આગાહી કરતા એમ પણ જણાવ્યુ છે કે, આજે શનિવારે માવઠાની શક્યતા છે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી, સેલવાસ, ડાંગ, આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અમરેલીના વિસ્તારોમાં માવઠાના વરસાદની વધુ શક્યતાઓ છે. પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજકોટમાં પણ એકલ દોકલ સેન્ટરમાં માવઠું થવાની શક્યતાઓ રહેલી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઉત્તર અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં બે દિવસ વધારે પડતા ઘાટા વાદળો જોવા મળે તેની શક્યતા છે. આ વાદળોને કારણે એકલ દોકલ સેન્ટર પર છૂટાછવાયા માવઠાની શક્યતા રહેવાની પણ આગાહી કરી છે. અહીં તીવ્ર માવઠાની શક્યતા ઓછી છે.
પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ કે, કચ્છ પર પણ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય થાય અને ત્યાં માવઠું થાય તેવી હાલ શક્યતાઓ દેખાતી નથી. પરંતુ કચ્છમાં પણ વધારે પડતા ઘાટા વાદળો જોવા મળશે. જેના કારણે એકાદ જગ્યાએ છૂટાછવાયો માવઠું થઇ શકે છે. પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, અરબી સાગરનું લો પ્રેશર ગુજરાતથી દૂર જતું રહે ત્યાં સુધી વરસાદની આગાહી છે. તેમના અનુમાન પ્રમાણે, 11 તારીખે આ લો પ્રેશર અને ગુજરાત વચ્ચેનું અંતર વધી જશે. તેથી 11 તારીખ પછીથી માવઠાની કોઇ શક્યતા નથી માનતા.