વાતાવરણ@ગુજરાત: આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, આ તારીખથી ગરમીનું જોર વધશે

અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે રાજ્યની પાંચ દિવસની આગાહી કરી હતી જેમાં પાછળના ત્રણ દિવસનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. એટલે કે આજે રાજ્યના 4-5 જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે તે પછી ગરમીનું જોર વધવાનું શરુ થશે. આગામી 2-3 દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 3થી 4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ સ્થાનિક હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. જે પ્રમાણેની સંભાવના છે તેને જોતા આગામી સમયમાં રાજ્યના ઘણાં સ્ટેશનો પર તાપમાનનો પારો 40 કે તેને પાર જઈ શકે છે.
આજના હવામાન અંગે જોઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા સહિત અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં માવઠું કે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આજના દિવસે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે અંગે વાત કરતા વિજીનલાલ જણાવે છે કે, હજુ તે સિસ્ટમ બની નથી, પરંતુ તેની સંભાવના 7-8 તારીખની આસપાસ છે. હાલ તેની ગુજરાતના હવામાન પર કોઈ અસરની સંભાવના નથી. જોકે, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી માટે આપણા ત્યાં વરસાદ પૂર્ણ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 6થી 7 તારીખે બંગાળની ખાડીમાં લો-પ્રેશર બની શકે છે, આ પછી 8 તારીખે આ લો-પ્રેશર આગળ જતા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે. જે પછી આગામી સમયમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. આ ચક્રવાતને લગતી વિગતો પર હવામાન વિભાગના વૈજ્ઞાનિકો સતત નજર રાખી રહ્યા છે.