મેઘમહેર@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ, અહીં 6 ઇંચ જેટલો ખાબક્યો

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ફરીથી મેઘરાજાએ પોતાની મહેર વરસાવવાની શરૂ કરી છે. જગતના તાતની ચિંતાનો અંત આવ્યો છે. ગુજરાતમાં 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જનમાષ્ટમીના દિવસે સૌથી વધુ ડાંગના વઘઇમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, રાજ્યમાં 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ ડાંગના વઘઇમાં 5.65 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના ઉમરપાડામાં 4.88 ઇંચ વરસાદ વરસ્યો છે. ડાંગના આહવામાં 2.92 ઇંચ, સુબીરમાં 2.71, વલસાડના કપરાડામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના સોનગઢ અને ખેડાના કઠલાલમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

જનમાષ્ટમીમાં અમદાવાદ સહિત ભાવનગર, અરવલ્લી, રાજપીપળા, બોટાદ અને સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગુરૂવારે વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે. મોડી રાત્રે પણ વાપી સહિત સમગ્ર વલસાડમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તેમજ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. આમ બે દિવસથી વરસાદની હેલીને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગે ગુરુવારે માહિતી આપી હતી, જેમાં તેમણે ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયનો ભાગ)માં વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 10 સપ્ટેમ્બર સુધી હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. રાજ્યમાં ત્રણ દિવસ પછી વરસાદમાં ઘટાડો થશે અને તે પછી માત્ર વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં સિમિત રહી શકે છે. જેમાં મોટાભાગે પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ યથાવત રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેવો વરસાદ રહેશે તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.

જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે વાત કરીને જણાવ્યું કે, જે વરસાદી સિસ્ટમ બની છે તેની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ નથી. રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ 10મી તારીખથી વરસાદમાં ઘટાડો થશે. જ્યારે કચ્છનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે.